
મહીસાગર જીલ્લામાં ભાદરવી પૂનમને લઈને મા અંબાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદથી સંતરામપુર અને સંતરામપુરથી દીવડા તરફ જતા રસ્તાઓ પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. ભક્તોના જય અંબેના નાદથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે.
ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શન કરવા રાજસ્થાન સહિત દાહોદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જઈ રહ્યા છે. ઘણા ભક્તો પોતાના પરિવાર અને મિત્રો સાથે રથ લઈને યાત્રા પર નીકળ્યા છે.
મહીસાગર જીલ્લામાં પદયાત્રીઓની સુવિધા માટે રસ્તામાં ઘણી જગ્યાએ સેવા કેમ્પ અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓને ચા-નાસ્તો, પાણી અને બીજી જરી સેવાઓ આપવામાં આવી રહી છે.
પદયાત્રીઓ દિવસ-રાત લાંબી યાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચવા આગળ વધી રહ્યા છે. રસ્તા પર દૂર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. હાથમાં ધજા અને સાથે રથ લઈને ભક્તો બોલ મારી અંબે, જય જય અંબેના નારા લગાવતા ઉત્સાહથી આગળ વધી રહ્યા છે.
ભક્તો માટે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ મા અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે. ઘણા કિલોમીટરની પગપાળા યાત્રાનો થાક હોવા છતાં ભક્તોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાની ભાવના સાથે હજારો ભક્તો સતત અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મહીસાગરમાંથી પસાર થતા આ પદયાત્રીઓના કારણે આખો રસ્તો જય અંબેના નાદથી ગુંજી રહ્યો છે.