બાલાસિનોરમાં પોલીસે કારમાં લઈ જવાતો રૂ.૨.૩૩ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત LCBને વધુ એક સફળતા મળી છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1,368 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. આ દારૂની કિંમત 2,33,232 રૂપિયા છે. કાર સહિત કુલ 9,33,232 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

LCBએ બાતમી મુજબ, બાલાસિનોરના વડદલા ગામનો કાનજી ભલાભાઈ પરમાર લીલા રંગની Nexon કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કથંરજીના મુવાડા ગામ તરફ જવાનો હતો.

બાતમીના આધારે LCBની ટીમે કથંરજીના મુવાડા ગામ નજીક આવેલા બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની લીલા રંગની કાર આવતા પોલીસે રસ્તા પર વાહનોની આડશ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, કારચાલક ગાડીને રસ્તાની વચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો.

પોલીસે કારની તપાસ કરતા તેમાં વિદેશી દા‚ની પેટીઓ મળી આવી. ત્યારબાદ કારને પોલીસ જાપ્તા સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ કરવામાં આવી. તપાસમાં ભારતીય બનાવટની વિદેશી દા‚ની ૧,૩૬૮ બોટલ મળી આવી, જેની કિંમત ૨,૩૩,૨૩૨ રૂપિયા છે.

કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ૯,૩૩,૨૩૨ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂ બંધીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપી કાનજી ભલાભાઈ પરમાર, જે વડદલા, તા. બાલાસિનોર, જી. મહીસાગરનો રહેવાસી છે, તેને પકડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.