
મહીસાગર જીલ્લામાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદ શરૂ થયો છે. જીલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ગઈકાલે બપોરે ૨ વાગ્યા પછી જીલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. ક્યાંક ભારે ઝાપટાં પડ્યા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો. રાત્રિના સમયે પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.
આજે સોમવારે પણ સવારથી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પ્રમાણે, સંતરામપુર તાલુકામાં સૌથી વધુ ૩૪ મિલીમીટર વરસાદ પડ્યો છે. કડાણા તાલુકામાં ૩૩ મિલીમીટર, વીરપુરમાં ૨૩ મિલીમીટર, બાલાસિનોરમાં ૧૮ મિલીમીટર, કોઠંબામાં ૧૬ મિલીમીટર, ખાનપુરમાં ૧૪ મિલીમીટર અને લુણાવાડામાં ૧૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગોધરા તાલુકામાં સૌથી ઓછો ૭ મિલીમીટર વરસાદ પડ્યો છે.
મહીસાગર જીલ્લામાં લાંબા સમયથી વરસાદ ન આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાનો ડર હતો. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ખેતીના પાકોને ઘણો ફાયદો થયો છે. તેનાથી ખેડૂતોમાં ફરી આશા જાગી છે. જીલ્લામાં હજુ પણ સારો અને વધુ વરસાદ પડવાની જર છે. લાંબા વિરામને કારણે મોટા ભાગના જળાશયો, તળાવો અને નદીઓમાં પાણીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. તેથી આગામી દિવસોમાં સારો વરસાદ પડે અને જીલ્લામાં ખાલી પડેલા જળાશયો, તળાવો તથા નદીઓમાં નવું પાણી આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. સારો વરસાદ પડે તો માત્ર ખેતીના પાકોને જ નહીં, પરંતુ જીલ્લામાં પાણીની સ્થિતિને પણ મોટો ફાયદો થઈ શકે છે. હાલ સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહેતા મહીસાગર જીલ્લામાં વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બન્યું છે.