લખતર-વિરમગામ હાઈવે પર ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓ પર ટ્રક ફરી વળ્યો, સાતના મોત

સોમવારની વહેલી સવાર ભયાનક અકસ્માતથી ધ્રુજી ઉઠી છે. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં સાત શ્રદ્ધાળુના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કાળમુખી ટ્રક ભરવાડ સમાજના મુંધવા પરિવારના યાત્રિકો પર ફરી વળ્યો હતો. જેના બાદ ક્ષતવિક્ષત હાલમાં મૃતદેહો રસ્તા પર પડ્યા હતા.

પ્રાપ્ત મહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા સાતના મોત નિપજ્યા છે. તમામ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવાર યાત્રિકો હતા. રાજકોટના ગઢકા ગામેથી ડેકા વાળા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઇને જતા હતા, તે સમયે માતેલા સાંઢ જેવા ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં પાંચ મહિલા અને બે પુરુષના મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં ટાયર બદલાવી રહેલા ડમ્પરચાલકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકોના નામ

૧. મસાભાઈ કરસનભાઈ મુંધવા

૨. જાલુ બેન મસાભાઈ મુંધવા

૩. રાણીબેન મંગાભાઈ લાંબરીયા

૪. જાલુબેન વેલાભાઈ મુંધવા

૫. વિજુબેન પ્રવીણભાઈ મુંધવા

૬. વજીબેન વિભાભાઈ મુંધવા

૭. એક ડમ્પર ચાલક

યાત્રિકો ઉભેલા ડમ્પરથી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. આ ટક્કરમાં ૬ શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા છે. તો ડમ્પર ચાલકનું વિરમગામ હોસ્પિટલ ખાતે મોત થયું ઘટનાની જાણ રાહદારી દ્વારા લખતર પોલીસને કરતા લખતર પોલીસ તેમજ વિરમગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે યાત્રિકોના મૃતદેહને ઉપડાવા માટે પાવડાથી ભરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. યાત્રિકોના મૃતદેહોને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.