કચ્છના અબડાસામાં ગૌચરની ૧૪૦૦ એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્ત

પશ્ચિમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ગૌચર જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને તાલુકા વહીવટી તંત્રએ સંયુક્ત રીતે વિશાળ અભિયાન હાથ ધરી અંદાજે ૧૪૦૦ એકર સરકારી જમીન મુક્ત કરાવી છે. કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલા સરકારી સર્વે નંબરોમાં અસામાજિક તત્વો તેમજ અન્ય ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે ખેતી અને કબજા કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુડા તથા નલિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુધી પનિયા દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. કોઠારા પોલીસ સ્ટાફ, ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વહીવટી તંત્રની ટીમોએ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર કબજા દૂર કરવાની કામગીરી અમલમાં મૂકી હતી.

તંત્રના રેકોર્ડ મુજબ કોઠારા અને ભેદી ગામની ગૌચર જમીનના વિવિધ સર્વે નંબરોમાં કુલ ૫૨ જેટલા ઇસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણોમાં ખેતી, વાડબંધી અને કબજાની અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. મુક્ત કરાવવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત રૂપિયા ૪૨ કરોડથી વધુ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

આ કેસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વ તરીકે પુસ્તક ભખર સમેજા રહે. કોઠારા, તા. અબડાસાનું નામ સામે આવ્યું છે. ઉપરાંત અન્ય અનેક ઇસમો દ્વારા પણ ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજા કરવામાં આવ્યો હોવાનું તંત્રએ નોંધ્યું છે.

કાર્યવાહીમાં સામેલ અન્ય ઇસમોમાં રામજી જાગી, જાડબ સોના, પીચુલા કરવાનજી, માંનસંગજી માજી, પાંચાણજી ભિમજી, કરીલા જીવદાજી સૌઠા, બાલુભા વિજી સૌઠા, કેશુભા પામ્યુલા લોઢા, રામસંગજી પાંચુલા સૌઠા, ચિત્રજી કુંવરજી સૌઠા, પંચાજી દેત્તરજી, વાઘજી દેશરજી, ગોલપરજી સોરા, સત્રજી કરવીરજી જાડેજા, જેમલજી ભાજી જાડેજા, જબરાજી ભોજરાજજી, મેરામદાજી માંગસંગજી, બાલુભા હરિસા, આશુભા ચીઢુલા જાડેજા, પાઠબા દેશરજી, કલ્યાણજી જેસંગજી, નામોરજી જેસલજી, અરજણજી મેગજી, નવગાજી વેરાજી, ઈશા રમજાન, રામસંગજી ડમજી, સાંમતજી તેજમાલજી સમેજા, નવગણજી રવાજી, નયુલા તેજમાલજી, માધુભા તેજપાલજી, વિરમંત્રજી પલંગજી જાડેજા, સમચંગ જેમા મંથરા, હતેસંગ જેવા લોઢા, ગની કચરા મંથરા, ભરતસિંહ મુરાજી, મિત્રાજી પ્રાગજી, પશુભા વાજી સહિતના અનેક નામોનો સમાવેશ થાય છે.

તંત્રના જણાવ્યા મુજબ આ તમામ ઇસમોએ કોઠારા અને ભેદી ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે કબજા કરી ખેતી અને અન્ય ઉપયોગ શરૂ કર્યા હતા. સરકારી ગૌચર જમીન પશુઓના ચરાણ માટે અનામત હોય છે, તેથી આવા દબાણોને કારણે સ્થાનિક પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની મોટી કાર્યવાહી તરીકે જાવામાં આવી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા અભિયાન સતત ચાલુ રહેશે.