
કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક શિવાંકની ઉંમર ૨૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના યુનિવસટી ઓફ ટોરોન્ટોના સ્કારબરો કેમ્પસ પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાંક પર અજાણ્યા શખ્સોએ અચાનક ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. શિવાંકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે શિવાંકની તસવીર જાહેર કરીને સામાન્ય જનતા પાસે આ અંગે વધુ માહિતી માંગી છે. હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શિવાંક ત્યાં વિદ્યાર્થી હતો કે નહીં. પોલીસે અજ્ઞાત હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ તેજ કરી છે.
અહેવાલો અનુસાર, ફાયરિંગની આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે યુનિવસટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ વિદ્યાર્થીઓ અને યુનિવસટી સ્ટાફને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત, જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાં જવાના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કેનેડામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પહેલા હિમાંશી ખુરાના નામની ભારતીય મૂળની મહિલાનો મૃતદેહ એક ઘરમાંથી મળી આવ્યો હતો. તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે ૩૦ વર્ષીય હિમાંશીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ ટોરોન્ટોના રહેવાસી અબ્દુલ ગફૂરીની શોધ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, હિમાંશી અને અબ્દુલ એકબીજાને સારી રીતે જાણતા હતા.