કવાંટ તાલુકાના મોટી સાંકળ, ઝાલાવાંટ અને ખંડીબારા ગામને જોડતા રસ્તા પર કાયમી પુલની માંગ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી સાંકળ, ઝાલાવાંટ અને ખંડીબારા ગામને જોડતા રસ્તા પર આવેલા નદીના નાળા પર કાયમી મજબુત પુલ બનાવવાની માંગ સાથે મોટી સાંકળ જુથ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

આવેદન મુજબ મોટી સાંકળ, ઝાલાવાંટ અને ખંડીબારા ગામને જોડતા મુખ્ય રોડ પર વારંવાર ભારે વરસાદના કારણે પુર આવવાથી નદીનુ નાળુ તુટી જાય છે. છેલ્લા ચાર વર્ષથી આ નાળુ તુટેલી હાલતમાં જ રહ્યુ છે. જેના કારણે ત્રણેય ગામના ગ્રામજનોની અવર જવર માટે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક ગ્રામજનો અને પંચાયત દ્વારા છેલ્લા લાંબા સમયથી આ સ્થળે કાયમી પુલ બનાવવાની માંગણી કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા નિકાલ લાવવામાં આવ્યો નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ માત્ર આર.સી.સી.રોડ બનાવવાથી ફરીથી ભારે વરસાદ કે પુર આવશે ત્યારે રસ્તો તુટી જવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આથી હાલ થઈ રહેલી આ કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવ્યો છે. મોટી સાંકળ જુથ ગ્રામ પંચાયતના સરપંચ રાઠવા તેમજ કવાંટ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા કલેકટરને માંગ કરી છે કે, હાલ ચાલી રહેલા આર.સી.સી.રોડના કામને બદલે જે તે સ્થળે યોગ્ય ટેક્નિકલ સર્વે કરે અને નદી-નાળાની પરિસ્થિતિને અનુ‚પ મજબુત તથા કાયમી પુલનુ નિર્માણ કરે તેવી માંગ કરી છે.