શહેરાના ભેંસાલ ખોડીયાર મંદિર નજીકથી ૮ ફૂટનો મહાકાય મગર ઝડપાયો.

શહેરા વન વિભાગ એ ભેંસાલ ગામના ખોડીયાર મંદિર માંથી ૮ ફૂટનો મગરનુ સહી-સલામત રેસ્ક્યુ કરાયો.

શહેરા તાલુકાના ભેંસાલ ગામે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર મંદિર પરિસરમાં અચાનક એક વિશાળકાય મગર આવી ચઢતાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરતા શહેરા વન વિભાગની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને અંદાજે ૮ ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં મુક્ત કર્યો હતો.

શહેરા તાલુકાના ભેંસાલ ખોડીયાર મંદિર પરિસરમાં દરરોજ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. મંદિરની નજીકના ભાગેથી પસાર થતાં લોકોને અચાનક એક વિશાળકાય મગર નજરે પડ્યો હતો. મગર ને જોઈને સ્થાનિક ગ્રામજનોએ તુરંત જ આ અંગેની માહિતી શહેરા વન વિભાગને આપી હતી. શહેરા વન વિભાગના આર.એફ.ઓ. વી. જી. ગઢવીના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ભેંસાલ ખોડીયાર મંદિર ખાતે પહોંચી ગયો હતો. મંદિર પરિસરમાં મગર હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે, વન વિભાગની ટીમે ભારે સજાગતા અને તકેદારી દાખવીને લોકટોળાને દૂર ખસેડ્યા હતા અને મગર ને રેસ્ક્યુ કરવાની કામગીરી શ‚ કરી હતી.વન કર્મીઓએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાથી મગરને પકડવા માટે રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કર્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આશરે ૮ ફૂટ જેટલી લંબાઈ ધરાવતા આ મહાકાય મગરને સફળતાપૂર્વક કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો.મગર રેસ્ક્યુ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા મગરનું સંપૂર્ણ રેસ્ક્યુ પૂર્ણ કર્યા બાદ, તેની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને માનવવસવાટથી દૂર સહી-સલામત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો. વન વિભાગની આ ત્વરિત અને જવાબદારીપૂર્વકની કામગીરીની ગ્રામજનો દ્વારા ભારે સરાહના કરવામાં આવી હતી.