
જસદણના સાણથલી ગામે વ્યાજખોરોના આતંકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માસિક ૩ ટકા વ્યાજે લીધેલા સાડા પાંચ લાખ રૂપિયા સમયસર ન ચૂકવતા ખેડૂતની જમીન સિક્યુરિટી વેચાણના બહાને લખાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.જમીન પરત માંગતા વ્યાજના વ્યાજ સહિત રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે આટકોટ પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
જસદણ તાલુકાના સાણથલી ગામના ખેડૂત વશરામભાઈ મોહનભાઈ શિરોયાએ આટકોટ પોલીસ મથકમાં તેમના ગામના ભગુભાઈ વલકુભાઈ જેબલિયા તેમજ તેમના બંને પુત્ર પ્રતાપભાઈ અને રાજુભાઈ જેબલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષો અગાઉ પુત્રની વહુના શ્રીમંત પ્રસંગ તેમજ વાડીમાં નાણાંની જરૂરિયાત હોવાથી વશરામભાઈએ ભગુભાઈ જેબલિયા પાસેથી માસિક ૩ ટકા વ્યાજે સાડા પાંચ લાખ રૂપિયા લીધા હતા. જોકે, સમયસર વ્યાજની રકમ ચૂકવી ન શકતા આરોપીઓએ ધાકધમકી આપી વર્ષ ૨૦૧૬માં જસદણ મામલતદાર કચેરી ખાતે લઈ જઈ જમીનનો સિક્યુરિટી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે.
ખેડૂતનો આક્ષેપ છે કે, જમીન પરત મેળવવા માટે જ્યારે પણ આરોપીઓ પાસે રૂપિયા આપવા અંગે વાત કરી ત્યારે વ્યાજના વ્યાજ સહિત વધારાની રકમની માંગણી કરવામાં આવતી હતી.ફરિયાદ મુજબ, શરૂઆતમાં સાડા પાંચ લાખ રૂપિયાની લેવડદેવડ બાદ જમીન પરત કરવા માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આરોપીઓ દ્વારા હાથ-પગ ભાંગી નાખવા, જાનથી મારી નાખવા તેમજ ગામ છોડાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
આ રીતે વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા ખેડૂતે અંતે રાજકોટ રૂરલ એસપી કચેરીનો સંપર્ક કર્યો હતો.ફરિયાદ મળતા એસપી વિજયસિંહ ગુર્જરની ટીમે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને સાણથલી ગામે પહોંચી ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.આટકોટ પોલીસે ભગુભાઈ જેબલિયા, પ્રતાપભાઈ જેબલિયા અને રાજુભાઈ જેબલિયાની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.