શહેરના નરોડા રોડ વિસ્તારમાંથી પરિવારને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ તેના જેઠ અને જેઠાણી વિરુદ્ધ છેડતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પતિની શારીરિક અશક્તિ અને બીમારીનો ગેરલાભ ઉઠાવીને જેઠે યુવતી સમક્ષ અશ્લીલ માગણીઓ કરી હતી. આ મામલે યુવતીની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, નરોડા રોડ પર પુત્ર સાથે રહેતી પરિણીત યુવતીએ વર્ષ ૨૦૧૬માં પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી યુવતીના પતિ પેરાલિસિસની બીમારીથી પીડાતા હોવાથી સંપૂર્ણપણે પથારીવશ હતા. ઘરની આ પરિસ્થિતિનો અનૈતિક લાભ લેવા માટે યુવતીના જેઠની નજર તેના પર બગડી હતી અને તેણે અવારનવાર યુવતી સામે અશ્લીલ વાતો કરવાનું શરૂ કર્યું હતું.
જેઠે યુવતીને પોતાના તરફ આકર્ષવા માટે એવી વાતો કરી હતી કે ‘હું સંબંધે તારો જેઠ છું એટલે ઘરની વાત ઘરમાં જ રહેશે, તારો પતિ અપંગ છે અને તારે પણ શારીરિક સુખની જરૂર હોય. તું મારી સાથે આવી જા, આપણ બંને મજા કરીશું, હું તને સારી રીતે રાખીશ અને પૈસા પણ આપીશ.’ આ રીતે નરાધમ જેઠે સતત દબાણ કરીને યુવતીની છેડતી કરી હતી.
આ બાબત સહન ન થતાં યુવતીએ પોતાના પર વીતેલી તમામ આપવીતી જેઠાણીને જણાવી હતી. જાકે, ન્યાય મળવાને બદલે જેઠાણીએ ઊલટાનું યુવતીને જ દોષિત ઠેરવીને તેના પતિને ફસાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, જેઠાણીએ યુવતીને તેના હાથ-પગ તોડી નાખીને સિવિલ હોસ્પિટલમાં ફેંકી દેવાની ગંભીર ધમકી પણ આપી હતી.
આખરે યુવતીએ હિંમત ભેગી કરીને સમગ્ર ઘટના અંગે પોતાના બીમાર પતિને જાણ કરી હતી, જેથી પતિએ તેને પોલીસમાં અરજી કરવાની સલાહ આપી હતી. અરજી કર્યાના એક મહિના બાદ યુવતીના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ પણ અન્યાય સામે લડવા માટે યુવતીએ હિંમત દાખવીને શહેરકોટડા
પોલીસ સ્ટેશનમાં પોતાના જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.