શહેરાના પસનાલ ગામે વન વિભાગ દ્વારા ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરાઈ

શહેરાના પસનાલ ગામે વન વિભાગ દ્વારા ‘વન્ય પ્રાણી સપ્તાહ’ અંતર્ગત વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

શહેરા તાલુકાના પસનાલ ગામે વન વિભાગ દ્વારા ‘વન્ય પ્રાણી સપ્તાહ’ અંતર્ગત વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આર.એફ.ઓ વી.જી. ગઢવીએ વન્યજીવોને કુદરતી સંપત્તિ ગણાવી તેમના સંરક્ષણમાં સહભાગી થવા ગ્રામજનોને હાકલ કરી હતી.

શહેરા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને પર્યાવરણની સમતુલા જાળવવાના ઉદ્દેશ્યથી ’વન્ય પ્રાણી સપ્તાહ – ૨૦૨૬’ અંતર્ગત તાલુકાના પસનાલ ગામે વન્ય પ્રાણી અંગે એક વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પસનાલ ખાતે રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.જી. ગઢવીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને વન્ય પ્રાણીઓનું મહત્વ અને તેમના રક્ષણ અંગે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી.આર.એફ.ઓ વી.જી.ગઢવીએ પોતાના પ્રબોધનમાં જણાવ્યું હતું કે, વન અને વન્યજીવો એ આપણી કુદરતી સંપત્તિ છે. “વન્ય પ્રાણીઓનું જતન” એ સમયની માંગ છે. પર્યાવરણની સાંકળ જાળવી રાખવા માટે દરેક નાગરિકે વન્યજીવો પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ અને તેમના સંરક્ષણમાં સહભાગી બનવું જોઈએ તેમજ વન્ય પ્રાણીઓનું જતન એ માત્ર વન વિભાગની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વર્ગની નૈતિક ફરજ છે. કાર્યક્રમ દરમિયાન વન અધિકારીઓએ ગ્રામજનોને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવાના ઉપાયો અને વન્યજીવો દેખાય ત્યારે લેવાની સાવચેતીઓ અંગે પણ માહિતી આપી હતી. ગ્રામીણ વિસ્તારમાં વન્યજીવોનું આગમન થાય ત્યારે ગભરાયા વગર વન વિભાગને તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ સરાહનીય પ્રયાસને ગ્રામજનોએ મુક્ત મને આવકાર્યો હતો અને વન સંરક્ષણમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ , ગ્રામજનો અને વન વિભાગનો રાઉન્ડ ફોરેસ્ટર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.