
ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવતા અમદાવાદના વકીલોમાં ભારે વિરોધ જાવા મળ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણય સામે અમદાવાદ મેટ્રો કોર્ટ અને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના વકીલો એક મંચ પર આવ્યા હતા.
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની બહાર મેટ્રો કોર્ટના વકીલો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતના હડતાળ પરત ખેંચવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વકીલો દ્વારા ‘વકીલ એકતા જિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા.
વકીલોનું કહેવું છે કે, અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશન, અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન સહિતના સંબંધિત બાર એસોસિએશનોના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના બાર કાઉÂન્સલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક બાર એસોસિએશનોના વકીલોમાં નારાજગી જાવા મળી રહી છે. વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના મુદ્દે તેમની લડત હજુ પૂર્ણ થઈ નથી. તેથી બાર કાઉન્સિલ નિર્ણય છતાં અમદાવાદની વિવિધ કોર્ટના વકીલો ૧૦ ઓક્ટોબર સુધી હડતાળ યથાવત રાખવા મક્કમ છે.
એડવોકેટ આઈ.ડી. પઠાણે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લેતા પહેલાં અમદાવાદના સંબંધિત બાર એસોસિએશનો અને વકીલોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. વકીલોની લાગણી અને અગાઉ લેવાયેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને હડતાળ ૧૦ ઓક્ટોબર સુધી ચાલુ રાખવામાં આવશે અને ગુજરાત ભાડા વિધેયક સામેનો વિરોધ યથાવત રહેશે.
એડવોકેટ ભાવેશ બારોટે પણ જણાવ્યું હતું કે, વકીલોની એકતા સાથે આંદોલન ચાલી રહ્યું છે અને સ્થાનિક બાર એસોસિએશનોને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલા નિર્ણયને વકીલો સ્વીકારશે નહીં. ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ અંગે વકીલોની જે મુખ્ય માંગણીઓ છે, તે અંગે સ્પષ્ટતા અને લેખિત બાંહેધરી મળ્યા વિના હડતાળ પાછી ખેંચવાનો પ્રશ્ન જ નથી.
આ સમગ્ર મામલે અમદાવાદની વિવિધ કોર્ટના વકીલો વચ્ચે ફરી એકવાર એકતા જાવા મળી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણય સામે વકીલોએ જાહેરમાં વિરોધ નોંધાવી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ૧૦ ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી દૂર રહી તેમનો વિરોધ ચાલુ રાખવામાં આવશે.