
કાલોલ પાલિકામાં સત્તાના સુત્રો સંભાળ્યાના બાર મહિના ૫છી પાલિકાના વિવિધ ક્ષેત્રોની સમિતિની રચના કરવા માટે પાલિકાની સભા મળી હતી. આ સભામાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણ પણ ઉપસ્થિત હોવાની જાણકારીને પગલે કાલોલ પાલિકાના પેન્શનરો પોતાની રજુઆત કરવા માટે પાલિકા ભવનમાં પહોંચી ગયા હતા. જયાં તમામ ૫ેન્શનરોએ ધારાસભ્યને લેખિત સહ ઉગ્ર રજુઆત કરી પાછલા અગિયાર માસના પેન્શનના નાણાં અને મોંઘવારી ભથ્થાના બાકી પડતા નાણાં ચુકવવાની માંગ કરી હતી.
કાલોલ પાલિકાના ૪૩ જેટલા ૫ેન્શનરોની રજુઆત મુજબ જુન-૨૦૨૫ થી એપ્રિલ-૨૦૨૬ સુધીનુ પેન્શન અને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નાણાં આજદિન સુધી નહિ મળતા તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ આટલા બધા મહિનાઓ સુધી પેન્શન કયારેય બાકી રહ્યુ નથી. જેને કારણે પેન્શનરોએ વ્યથા ઠાલવી હતી. ગત વર્ષે પાલિકાની ચુંટણી થયા પછી તાજના વહીવટદારો સમક્ષ પેન્શનરોની અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતુ નથી તેવા પણ આક્ષેપો કર્યાહતા. હાલમાં મોંઘવારીમાં વૃદ્ધ અને વિધવા ૫ેન્શનર મહિલાઓ સહિત તમામ પેન્શનરોને ધરનુ ભરણપોષણ, માંદગીનો ખર્ચ અને સામાજિક ખર્ચાઓ ચુકવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાથી વ્યથા વ્યકત કરીહતી. જે અંગે ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણે આ બાબતે સઘન તપાસ કરીને સત્વરે યોગ્ય નિર્ણય લેવા અને ધટતુ કરવા પેન્શનરોને આશ્ર્વાસન આપ્યુ હતુ.