કાલોલના ધોડા ગામે ખેતરમાં દવા છાંટતા યુવકનુ તુટી પડેલ વીજ વાયરથી કરંટ લાગતા મોત

કાલોલ શહેર નજીક ધોડા ગામે ખેતરમાં દવા છાંટતા યુવકને ખેતરમાં તુટી પડેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા ક‚ણ મોત નીપજયું હતુ. કાલોલ ફાયરબ્રિગેડ ટીમમાં સામેલ એવા ૨૬ વર્ષિય યુવાન દિકરાના અકાળે મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી.

ધોડા ગામના વતની હર્ષકુમાર રાજુભાઈ પટેલ (ઉ.વ.૨૬)કાલોલ પાલિકાના ફાયરબ્રિગેડની ટીમમાં નોકરી કરતો હતો. જે પિતરાઈ ભાઈ સાથે સીમમાં આવેલ ખેતરમાં અરંડાના પાકમાં દવા છાંટવા ગયા હતા. ત્યારે ખેતર ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈન પૈકીનો એક તાર તુટીને એરંડાના ઉભા ૫ાકની વચ્ચે પડ્યો હતો. જેનાથી અજાણ અને દવા છાંટવામાં વ્યસ્ત હર્ષ પટેલ જીવતા વીજ વાયરના સંપર્કમાં આવી જતાં કરંટ લાગ્યો હતો. પિતરાઈ ભાઈના જણાવ્યા અનુસાર હર્ષને વીજ વાયર ગળાના ભાગે અડી ગયો હતો. અને વાયરમાં કરંટ હોવાને લઈ હર્ષને ઝટકો લાગ્યો હતો. એ સમયે હિતેશે દોડીને સુકા લાકડાની મદદથી હર્ષને છુટો કરવાની કોશિષ કરી હતી. પરંતુ એરંડાના ઉભા પાકની વચ્ચે વીજ વાયરો છુટો નહિ પડતા અંતે વીજ વાયરના કરંટથી હર્ષ પટેલ ધટના સ્થળે ઢળી પડ્યો હતો. હિતેશે બુમાબુમ કરતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. જેમણે એમજીવીસીએલને જાણ કરીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ઢળી પડેલ હર્ષને ખાનગી વાહન મારફતે કાલોલ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.