કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર આવેલ ’મહાકાળી યુવક ગરબા મહોત્સવ’માં ત્રીજા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

પવિત્ર નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ધમધમતા મહાકાળી યુવક ગરબા મહોત્સવ ખાતે અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ ત્રીજા નોરતે માતાજીના જયઘોષ સાથે ભક્તિસભર માહોલમાં ગરબાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સાંજ પડતાં જ ગરબાના મેદાનમાં ખેલૈયાઓની ભારે ભીડ જામી હતી. મા અંબાના જયઘોષ અને ગુંજતા ગરબાના સૂરો સાથે યુવાધન મન મૂકીને ઝૂમતું નજરે પડ્યું હતું. પરંપરાગત અને આધુનિક ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાઓએ મંચ પર મનમોહક રાસ રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

આ ભવ્ય મહોત્સવને નિહાળવા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા અને સુરક્ષા માટે પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં નવરાત્રીનો માહોલ સોળે કળાએ ખીલ્યો છે.