અમદાવાદના ગીતામંદિર મોબાઇલ માર્કેટમાં નકલી ફોનનું કૌભાંડ ઝડપાયું, ૧૪ વેપારીઓ સામે ગુનો

અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો ઉપયોગ કરીને કથિત નકલી મોબાઇલ ફોનના વેચાણ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન-૬ની ટીમે તપાસ દરમિયાન ૧,૦૩૪ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૭.૦૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં મોબાઇલ ફોન પર સેમસંગ કંપનીના ટ્રેડમાર્ક અને લોગોનો કથિત દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગીતામંદિર માર્કેટના રિટેલ વેપારીઓ અને કાલુપુર રિલીફ રોડના જથ્થાબંધ સપ્લાયર્સ સહિત ૧૪ લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોલીસને ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન માર્કેટમાં ડુપ્લિકેટ મોબાઇલ ફોન વેચાતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ એલસીબી ઝોન-૬ની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે બ્રાન્ડેડ કંપનીના અધિકૃત પ્રતિનિધિ સૌરભકુમાર રાજેશ્વરી પાંડેની મદદ લેવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન જપ્ત કરાયેલા સેમસંગ મોબાઇલ ફોન બનાવટી હોવાનું અને કંપનીની મંજૂરી વિના તેના ટ્રેડમાર્ક તથા લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ગીતામંદિર માર્કેટની ભોલેનાથ મોબાઇલ, મહાવીર મોબાઇલ સહિતની દુકાનો અને ગોડાઉનમાંથી બિલ વગરનો સામાન જપ્ત કર્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો નીચે મુજબ છેઃ

– મોબાઇલ ફોનના ૧,૦૩૪ નંગઃ રૂ.૬,૬૧,૮૭૦

– એચપી લેપટોપઃ રૂ.૧૨,૦૦૦

– ચાર્જરઃ રૂ.૩,૦૦૦

– બેટરીઓઃ રૂ.૨૮,૮૫૦

– મોબાઇલ બોડીઃ રૂ.૧,૧૦૦

આમ, પોલીસે કુલ રૂ.૭,૦૭,૨૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગીતામંદિર માર્કેટના કેટલાક વેપારીઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના જથ્થાબંધ વેપારીઓ પાસેથી બિલ વગર મોબાઇલ ફોન ખરીદતા હોવાનો આક્ષેપ છે.

આ સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રેડમાર્ક્‌સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જાગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આ કેસમાં ગીતામંદિર માર્કેટના વેપારીઓ તરીકે રમેશ સોલંકી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભુરારામ પ્રજાપતિ, રવીન્દ્રકુમાર ઉર્ફે રવિ લક્ષ્મણરાવ છીપા, રૂપારામ થાનાજી ચૌધરી, દીનેશકુમાર મઘારામ ઘાંચી અને મહેન્દ્ર મોદી સામે ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત કાલુપુર રિલીફ રોડના સપ્લાયર્સ તરીકે અશોક, ભઈલુ, વિવેક (કેસરીનંદન), ગોપી, કુલદીપ, રાજુ (આર.એસ.બી. ટ્રેડર્સ), પ્રવિણ અને દર્શન (શિવાય કોમ્યુનિકેશન)નાં નામ પણ ફરિયાદમાં સામેલ છે.પોલીસ હવે મોબાઇલ ફોન ક્યાથી લાવવામાં આવતા હતા, તેના સપ્લાયમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં અને આ રીતે કેટલા ફોન વેચાયા હતા તે દિશામાં તપાસ કરી રહી છે.