
અમદાવાદમાં ઇંદોરથી માલસામાન લઈને આવતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ૧૦.૧૧ લાખથી વધુ કિંમતના ચાર પાર્સલ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પીપળજ-પીરાણા રોડ પર આવેલા જે એન્ડ કે લોજિસ્ટિક્સ પાર્ક સ્થિત ‘શ્રીનાથ કાર્ગો પ્રા. લિ.’ના સંચાલક હબીબ ઉમડિયાએ ટ્રક ડ્રાઇવર અફઝલખાન ગુલહસનખાન સામે ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળ્યા બાદ નારોલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ફરિયાદ મુજબ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે શ્રીનાથ કાર્ગોની ટ્રક ઇંદોરથી અમદાવાદ આવવા નીકળી હતી. ટ્રકમાં અલગ-અલગ કંપનીઓનાં કુલ ૨૫ પાર્સલ લોડ કરવામાં આવ્યાં હતાં. ટ્રક અફઝલખાન ગુલહસનખાન ચલાવી રહ્યો હતો.
બપોરે આશરે ત્રણ વાગ્યે ટ્રક પીપળજ ખાતેની ઓફિસે પહોંચી હતી. માલસામાન ઉતારતી વખતે ‘મા એન્ટરપ્રાઇઝ’નાં છ પાર્સલમાંથી માત્ર બે જ મળ્યાં હતાં, જ્યારે બાકીનાં ચાર પાર્સલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
પાર્સલ ગાયબ થતાં ઇંદોર સ્થિત ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી તમામ ૨૫ પાર્સલ ટ્રકમાં લોડ કરવામાં આવ્યાં હોવાનો વીડિયો પણ મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે ડ્રાઇવરને પૂછતાં તેણે પાર્સલ વિશે અજાણ હોવાનો જવાબ આપ્યો હતો.
ફરિયાદ અનુસાર, ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ડ્રાઇવર કોઈને જાણ કર્યા વગર ઓફિસમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. આંતરિક તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ટ્રકમાંથી ૧૦,૧૧,૮૩૯ની કિંમતનો માલસામાન ગાયબ થવા મામલે ડ્રાઇવર સામે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
અંતે શ્રીનાથ કાર્ગોના સંચાલકે નારોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અને વિશ્વાસઘાતના આક્ષેપોની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.