કાલોલ કોર્ટનો મહત્વનો ચુકાદો :રૂ.૨.૫૧ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ અને રૂ.૩ લાખનું વળતર ચૂકવવાનો હુકમ

કાલોલની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (NI Act)ં ની કલમ ૧૩૮ હેઠળના ચેક બાઉન્સના એક મહત્વના કેસમાં ચુકાદો આપતાં આરોપી મહેન્દ્ર કુમાર કાળુભાઇ પટેલને ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૩,૦૦,૦૦૦નું વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદી અતીકકુમાર જયેશભાઇ શાહ (રહે. કાલોલ, જી. પંચમહાલ) બિલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરે છે. તેમણે મહેન્દ્ર કુમાર પટેલને વેચેલ બિલ્ડીંગ મટીરીયલ્સના બાકી નાણાં પેટે આરોપીએ રૂ. ૨,૫૧,૦૦૦ નો કોર્પોરેશન બેંક, હાલોલ શાખાનો ચેક (ચેક નં. ૪૭૧૦૯૮, તા. ૨૦/૧૨/૨૦૧૭) આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતાં Mtemp/ ફંડસ ઈન્સફિશિયન્ટ (ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવા)ના એન્ડોર્સમેન્ટ સાથે પરત ફર્યો હતો. ચેક રિટર્ન થયા બાદ ફરિયાદીએ પોતાના વકીલ જે.એસ.પટેલ મારફતે નોટિસ મોકલી હોવા છતાં નાણાં ન ચૂકવાતાં કાલોલ કોર્ટમાં ઇ.સ. ૨૦૧૮માં ક્રિમીનલ કેસ નં. ૧૬૫/૨૦૧૮ દાખલ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે એડવોકેટ જે.એસ.પટેલ દ્વારા રજૂ કરાયેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ, બેંક સ્ટેટમેન્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખીને જજ પી. એસ. રાઉન્ડલે આરોપીને દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે: ૧. આરોપી મહેન્દ્ર કુમાર કાળુભાઇ પટેલનેNI Act ની કલમ ૧૩૮ હેઠળ ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવે છે. ૨. આરોપીએ ફરિયાદીને રૂ. ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ રૂપિયા) ૯% ના વાર્ષિક વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવાના રહેશે. ૩. જો આરોપી આ વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધુ ૩ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.