ધોધંબા તાલુકાની ગ્રામ પંચાયતોમાં વર્ષોથી ઓડિટમાં ક્લીનચિટ, છતાં ગામેગામ ગેરરીતિની લોકબૂમ! સફાઈ ગ્રાન્ટથી માંડીને વાઉચર સુધીની તપાસ પારદર્શક બનવી જોઇયે

ઘોઘંબા તાલુકામાં ગ્રામ પંચાયતોની ઓડિટ પ્રક્રિયા વચ્ચે પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે. ચેલાવાડા, રીંછવાની, તરીયાવેરી, ચાઠા, ચાઠી, વિરાપુરા, બારીયાફળી,સિમલ્યા,સહિતનાં અસંખ્ય ગામોમાં પંચાયતની કામગીરી, સફાઈ માટેની ગ્રાન્ટના ઉપયોગ અને નાણાકીય વ્યવહારો અંગે સ્થાનિક સ્તરે ચર્ચાઓ અને ફરિયાદોની તપાસ કરવાની માગ ઊઠી રહી છે.

ઘોઘંબા તાલુકામાં ગ્રામ પંચાયતોની ઓડિટની કામગીરી શ‚ થતાં જ એક મોટો સવાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે કે જો પંચાયતોની કામગીરી સામે વારંવાર ફરિયાદો ઊઠતી હોય, તો ઓડિટમાં આખરે બહાર શું આવે છે? છેલ્લા કેટલાંક વર્ષોથી પંચાયતોને ક્લીનચિટ મળતી હોવાની ચર્ચા વચ્ચે નાણાકીય વ્યવહારોની ખરેખર કેટલી ઊંડાણપૂર્વક તપાસ થાય છે, તે જાણવું જરૂરી બન્યું છે.

ગ્રામ પંચાયતોમાં સરકારી ગ્રાન્ટની આવક, ખર્ચના હિસાબો, બિલો, વાઉચરો અને વિકાસકાર્યોની વાસ્તવિક સ્થિતિની ચકાસણી ઓડિટનો મહત્ત્વનો ભાગ છે. ત્યારે સવાલ એ છે કે પંચાયતો દ્વારા રજૂ કરવામાં આવતા વાઉચરો અને બિલોની ખરાઈ સ્થળ પર જઈને કરવામાં આવે છે કે માત્ર કાગળ પરના હિસાબોના આધારે જ પ્રક્રિયા પૂર્ણ થાય છે?

ખાસ કરીને સફાઈ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો વાસ્તવિક ઉપયોગ ક્યાં થયો, સફાઈની કામગીરી કેટલી થઈ, તેના પુરાવા શું છે અને ખર્ચ સામે જમીન પર કેટલું કામ દેખાય છે આ તમામ મુદ્દાઓની તપાસ થાય તો જ સરકારી નાણાંના ઉપયોગની સાચી સ્થિતિ સામે આવી શકે.

તાલુકાના કેટલાક વિસ્તારોમાં પંચાયતની કામગીરી અને નાણાકીય વ્યવહારો અંગે ગેરરીતિની ફરિયાદો થતી હોવાની ચર્ચા છે. કેટલાક તલાટીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોવા અને તેમની કામગીરી અંગે સવાલો ઊઠ્યા હોવાની વાતો વચ્ચે ઓડિટમાં સતત સંતોષકારક અહેવાલો કેવી રીતે આવે છે, તે તપાસનો વિષય છે.

જોકે, કોઈ વ્યક્તિ કે પંચાયત સામેના આક્ષેપોને તપાસ વિના સાબિત થયેલા ભ્રષ્ટાચાર તરીકે ગણાવી શકાય નહીં. પરંતુ જો ફરિયાદો અને ઓડિટના અહેવાલો વચ્ચે વિરોધાભાસ હોય, તો સંબંધિત વિભાગે આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

ઓડિટમાં બધું બરાબર હોવાની ચર્ચા વચ્ચે પૈસાના જોરે હિસાબો યોગ્ય ઠરતા હોવાના આક્ષેપો પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. જોકે, આ પ્રકારના આક્ષેપોની સત્યતા સાબિત કરવા દસ્તાવેજી પુરાવા અને સત્તાવાર તપાસ અનિવાર્ય છે.

જો ખરેખર કોઈ ગેરરીતિ થઈ નથી, તો પારદર્શક તપાસથી પંચાયતોની કામગીરી પર વિશ્વાસ વધુ મજબૂત થશે. અને જો ક્યાંય ગેરરીતિ મળી આવે, તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતોના ઓડિટ અહેવાલોની નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે, છેલ્લા કેટલાંક વર્ષોના આવક-ખર્ચના હિસાબો તપાસવામાં આવે, સફાઈ ગ્રાન્ટ સહિતની સરકારી સહાયના ઉપયોગની સ્થળ પર ચકાસણી કરવામાં આવે અને ફરિયાદો ધરાવતી પંચાયતોના વાઉચરો તથા બિલોની ખરાઈ કરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.

આ ઉપરાંત, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી અને સંબંધિત ઓડિટ વિભાગે ફરિયાદો અંગે શું કાર્યવાહી કરી, કેટલી તપાસ હાથ ધરી અને કોઈ ગેરરીતિ મળી કે નહીં તેની માહિતી જાહેર કરવી જોઈએ.

સૌથી મોટો સવાલ એ છે કે જો ગામેગામથી ફરિયાદો ઊઠતી હોય, તો તપાસનો અંત માત્ર ઓડિટના અહેવાલ સુધી જ કેમ સીમિત રહે?

ગ્રામ પંચાયતનું નાણું પ્રજાના વિકાસ માટે છે, કોઈની મનમાની માટે નહીં. તેથી દરેક ‚પિયાનો હિસાબ પારદર્શક હોવો જોઈએ. હવે જોવાનું એ છે કે ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતોની ઓડિટ માત્ર કાગળ પરના હિસાબો તપાસશે કે પછી ફરિયાદોના મૂળ સુધી પહોંચીને હકીકત પણ બહાર લાવશે?

ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઓડિટની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે હવે સવાલ માત્ર હિસાબોનો નથી, પરંતુ પ્રજાના પૈસાની જવાબદારીનો છે. ફરિયાદો સાચી છે કે ખોટી, તે તપાસમાં સ્પષ્ટ થવું જોઈએ; પરંતુ તપાસ જ ન થાય અથવા તપાસના તારણો જાહેર ન થાય, તો સવાલો ઊભા થવાના જ. હવે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.