ઝાલોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ભક્તિ, શક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ : ગરબે ઘૂમ્યું માનવ મહેરામણ

નવરાત્રીના ત્રીજા નોરતે મા અંબાની આરતી સાથે પોલીસ પરિવારના ગરબામાં નગરના અગ્રણીઓની ઉપસ્થિતિ; સિયારામ સિલેક્શનના મહેન્દ્રભાઈ ( મુન્નાભાઈ ) અગ્રવાલ દ્વારા ૩૫૦ જેટલા પંજાબી ડ્રેસનું વિતરણ.

નવલી નવરાત્રીના ત્રીજા નોરતે ઝાલોદ પોલીસ સ્ટેશન સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ભક્તિ, શક્તિ, સંસ્કાર અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મા અંબાની આરાધના સાથે ગરબે ઘૂમવા અને ગરબાનો આનંદ માણવા નગરજનોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. કલાકારોના લાઈવ પ્રદર્શન સાથે ગરબાની રમઝટે સમગ્ર પરેડ ગ્રાઉન્ડને ભક્તિમય માહોલથી ગુંજાવી દીધું હતું.

ર્માં અંબાની આરતી સાથે ગરબા મહોત્સવનો ભક્તિમય માહોલ : નવરાત્રીના ત્રીજા નોરતે આયોજીત આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલ, પી.આઈ. રવિ ગામીત, પી.એસ.આઈ. સી.કે. સિસોદિયા સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. નગરના અગ્રણી પંકજ અગ્રવાલ, ગોપાલ અગ્રવાલ, નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ, કાઉન્સિલરો, ભાજપના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, મહિલા મોરચાનાં પ્રમુખ તથા મહિલા મોરચાના સભ્યો સહિત નગરના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી ગરબા મહોત્સવની શોભા વધારી હતી.

ઉપસ્થિત આગેવાનોની સાથે ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલે મા અંબાની આરતી ઉતારી હતી. આરતીના પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત અને દેશભક્તિનાં ગીતોના ગાન સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને પણ ઉજાગર કરવામાં આવી હતી.

પોલીસ પરિવારનું શાલ અને ખેસ ઓઢાડી સન્માન : પોલીસ પરિવાર દ્વારા સુંદર આયોજન અને સુરક્ષિત વાતાવરણમાં ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ અને નાગરિકો વચ્ચેના આત્મીય સંબંધોનું પ્રતિબિંબ આ આયોજનમાં જોવા મળ્યું હતું.

પોલીસ પરિવારના આ આયોજનમાં નગરના અગ્રણીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત ગરબાની સાથે ભક્તિભાવ અને સામાજીક એકતાનો સંદેશ પણ પ્રસરી રહ્યો હતો.

ર્માં અંબાના ત્રીજા નોરતે ૩૫૦ જેટલા પંજાબી ડ્રેસની લ્હાણી : નવરાત્રીના ત્રીજા નોરતાના પાવન અવસરે સેવાભાવનું સુંદર ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. સિયારામ સિલેક્શનના મહેન્દ્રભાઈ મુન્નાભાઈ ) અગ્રવાલ દ્વારા ક્ધયાઓ, માતાઓ અને બહેનોને આશરે ૩૫૦ જેટલા પંજાબી ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડી.વાય.એસ.પી., પી.આઈ. તથા ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે આ ડ્રેસની લ્હાણી કરાવવામાં આવી હતી.

ર્માં અંબાના અવતાર સમાન ક્ધયાઓ અને મહિલાઓને ડ્રેસની ભેટ આપવાના આ સેવાકાર્યથી ગરબા મહોત્સવમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ધાર્મિક ઉત્સવની સાથે સેવાભાવને જોડતા આ પ્રયાસની ઉપસ્થિત લોકોએ સરાહના કરી હતી.

એક રમે, એક સાચવેચણિયાચોળી અને ખાખીનો અનોખો સંદેશ : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરિવાર દ્વારા લગાવવામાં આવેલા જાગૃતિ બેનરોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શક્તિનાં બે સ્વ‚પએક રમે, એક સાચવેના સંદેશ સાથે એક તરફ પરંપરાગત ચણિયાચોળીમાં ગરબા રમતી નારીશક્તિ અને બીજી તરફ ખાખી વર્દીમાં ફરજ બજાવતી પોલીસની ભૂમિકાને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત હેલ્મેટ પહેરવા, નશાથી દૂર રહેવા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવતા બેનરો દ્વારા નાગરિકોને સામાજીક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આમ, પોલીસ પરિવારના ગરબા મહોત્સવે માત્ર ધાર્મિક આનંદ જ નહીં, પરંતુ માર્ગ સુરક્ષા, નશામુક્તિ અને સાયબર જાગૃતિ જેવા જનહિતના મુદ્દાઓને પણ વાચા આપી હતી.

ભક્તિ, દેશભક્તિ, સેવાભાવ અને સુરક્ષાનો સંદેશ : ઝાલોદ પોલીસ પરિવાર દ્વારા આયોજીત આ ગરબા મહોત્સવમાં ર્માં અંબાની આરાધના, રાષ્ટ્રપ્રેમ, મહિલાઓ પ્રત્યે સન્માન, સેવાભાવ અને જનજાગૃતિ એકસાથે જોવા મળ્યાં હતાં. કલાકારોના લાઈવ પ્રદર્શન સાથે ગરબાની રમઝટે ઉપસ્થિત સૌને ગરબે ઘૂમવા પ્રેર્યા હતા.

ખાખીની ફરજ અને નવરાત્રીની ભક્તિ વચ્ચે સુંદર સેતુ રચતા આ આયોજનથી ઝાલોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ત્રીજા નોરતાની રાત્રિ યાદગાર બની રહી હતી. પોલીસ પરિવારના આ પ્રયાસે પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસ, સહકાર અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો.