ઝાલોદમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન

સંગીત, લોકનૃત્ય, વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેક્ધડરી સ્કૂલ ખાતે આજે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાની વિવિધ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

કલા મહાકુંભ અંતર્ગત સંગીત, લોકનૃત્ય, વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની કલા, જ્ઞાન, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી : આ પ્રસંગે ઝાલોદના મામલતદાર પરમાર , બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ મુનિયા, સ્થાનિક માલમિલકત સમિતિના પ્રમુખ ડી.ડી. કટારા, આઈ.પી. મિશન હાયર સેક્ધડરી સ્કૂલના આચાર્ય વાલસીંગભાઈ બી. સગાડા, ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય નિશાબેન તેમજ કસ્તુરબા શાળાનાં આચાર્ય કામિનીબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓની પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન : તાલુકાની વિવિધ શાળાઓમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

આવા કલા મહાકુંભના આયોજનથી વિદ્યાર્થીઓને પોતાની કલા અને પ્રતિભા રજૂ કરવા માટે યોગ્ય મંચ મળે છે. સાથે જ તેમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાના આચાર્ય અને ઉપસ્થિત મહાનુભાવોના સહયોગથી ઝાલોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.