
દારૂસ્સુલહ વલ-ખૈર અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રતિભાશાળી દીકરા-દીકરીઓનું સન્માન કરાયું.
સમાજમાં શૈક્ષણિક જાગૃતિ વધારવા, યુવાનોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને તેમની પ્રતિભાને યોગ્ય સન્માન આપવાના ઉમદા હેતુથી ગોધરા ખાતે દાસ્સુલહ વલ-ખૈર અને ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી ગોધરા, પંચમહાલ જીલ્લો અને સમાજનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી દીકરા-દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના પરિસરમાં યોજાયેલા આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મતી વિધિ ચૌધરી (IPS) ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે અતિથિ વિશેષ તરીકે જાણીતા ઇસ્લામિક સ્કોલર જનાબ મૌલાના શોએબ ચિમાજી , નાયબ પોલીસ અધીક્ષક બ્રિન્દા જાડેજા, ગુજરાત વક્ફ બોર્ડનાં ડિરેક્ટર અને મ્યુનિસિપલ કાઉન્સિલર મતી સોફિયા જમાલ, પંચમહાલ જીલ્લાના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તથા ગાયનેકોલોજીસ્ટ ડો. સુજાત વલી અને મહીસાગર જીલ્લાના નિવૃત્ત નાયબ પોલીસ અધીક્ષક સીરાજ એ. ઝભા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં દાસ્સુલહ વલ-ખૈરના ચેરમેન હાજી ફીરદોસ કોઠી તથા પી.એમ.ઈ.એસ. ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના પ્રમુખ હાજી રફીકએહમદ આલમ સહિત આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે, શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે છે અને અન્ય યુવાનોને પણ જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવાની પ્રેરણા મળે છે.
તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ સમાજના યુવા વર્ગને શિક્ષણ, મહેનત અને પ્રતિભાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરતો એક સરાહનીય પ્રયાસ બની રહ્યો હતો.