મહિસાગર મેડીકલ કોલેજ માટે કાકચીયા ખાતે જમીન ફાળવવા ભાજપ અને પાલિકા દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત

મહીસાગર જીલ્લાના મુખ્યમથક લુણાવાડા ખાતે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી નવી મેડિકલ કોલેજ માટે યોગ્ય જમીનની સત્વરે ફાળવણી કરવામાં આવે તે હેતુથી, લુણાવાડા શહેર ભારતીય જનતા પાર્ટી અને લુણાવાડા નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મહીસાગર જીલ્લાના પ્રભારી મંત્રી પી. સી. બરંડાને એક લેખિત રજૂઆત તથા ભલામણપત્ર પાઠવવામાં આવ્યો છે.

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, લુણાવાડા મુખ્ય મથકથી માત્ર ૪ કિલોમીટર અને હાલમાં નિર્માણાધીન નવા બાયપાસ રોડથી અંદાજે ૨.૫ કિલોમીટરના અંતરે આવેલ કાકચીયા મુકામે સરકારી ખુલ્લી જમીન ઉપલબ્ધ છે.

આ સ્થળે કુલ ૨૩૦ એકર જેટલો વિશાળ જમીનનો જથ્થો આવેલો છે. જે મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન તમામ માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે અત્યંત યોગ્ય અને અનુકૂળ છે. કાકચીયા ગામ પવિત્ર ત્રિવેણી સંગમ અને અંદાજે ૫૦૦ વર્ષ પ્રાચીન મહાદેવજીના ઐતિહાસિક મંદિર જેવા ધાર્મિક સ્થળો તરીકે પણ વિશેષ ઓળખ ધરાવે છે.

શહેર ભાજપ પ્રમુખ ઋષિરાજ કે. પંડ્યા અને નગરપાલિકા પ્રમુખ ડો. કિર્તિભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ભૂમિ પર મેડિકલ કોલેજનું નિર્માણ થવાથી લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને મોટો વેગ મળશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.

આ પ્રક્રિયામાં આવતા વહીવટી કે રેવન્યુ સંબંધિત પ્રશ્નોનો બિનહરકત ઉકેલ લાવી જમીન મંજૂર કરવા રજૂઆતમાં વિનંતી કરાઈ છે.

આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર, કારોબારી અધ્યક્ષ સમીરભાઈ મહેતા, શહેર ભાજપ મહામંત્રી વિમલભાઈ પારેખ અને ધવલભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહી કાકચિયામાંજ જમીન ફાળવવા માટે રજુઆત કરી હતી.