
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દોલતપુરા ગામે આવેલા એક ઈંટના ભટ્ટાના શ્રમિકોને છેલ્લા છ મહિનાથી મહેનતાણું ન મળતા તેઓ ન્યાયની માંગ સાથે ગોધરા સ્થિત જિલ્લા શ્રમ આયુક્ત કચેરીએ પહોંચ્યા હતા. કચેરીના મદદનીશ શ્રમ અધિકારીએ શ્રમિકોને ચા-નાસ્તો કરાવીને તેમની રજૂઆત સાંભળી હતી અને ન્યાયની ખાતરી આપી હતી.
શ્રમિકોના આક્ષેપ મુજબ, દોલતપુરા ગામમાં આવેલા SRB નામના ઈંટના ભટ્ટાના માલિકો મહેન્દ્રભાઈ અને હસમતભાઈ દ્વારા તેમને છેલ્લા છ મહિનાથી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. આર્થિક સંકડામણ અને અન્યાયનો ભોગ બનેલા મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા શ્રમિકોએ આ મામલે રજૂઆત કરી હતી.
મહેનતની કમાણી ન મળવાને કારણે શ્રમિકો પોતાના રોજિંદા જીવનનિર્વાહ માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શ્રમિકોએ ભટ્ટા માલિકો દ્વારા સતત શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેના કારણે તેઓ કચેરી સુધી પહોંચવા મજબૂર બન્યા હતા.
ગોધરા સેવા સદન ખાતે પહોંચેલા શ્રમિકોની આપવીતી જિલ્લા લેબર અધિકારી દ્વારા સંવેદનશીલતાપૂર્વક સાંભળવામાં આવી હતી. અધિકારીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે આ સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે અને ભટ્ટા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને શ્રમિકોને તેમનું બાકી મહેનતાણું અપાવવામાં આવશે. તંત્રની આ ખાતરી બાદ શ્રમિકોમાં ન્યાય મળવાની આશા બંધાઈ છે.