કાલોલ બસ સ્ટેન્ડ પાછળથી આંક-ફરકનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો: રૂ. ૧,૦૨૦નો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જિલ્લાના કાલોલ વિસ્તારમાં કાલોલ પોલીસની પેટ્રોલીંગ ટીમે બાતમીના આધારે રેડ પાડીને બસ સ્ટેન્ડ પાછળની ગલીમાં જાહેરમાં આંક-ફરકનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ  કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશકુમાર ગોવિંદભાઈ અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કાલોલ બસ સ્ટેન્ડની પાછળ આવેલી ગલીમાં એક ઈસમ સ્ટ્રીટ લાઈટના અજવાળે બેસીને આંક-ફરકનો જુગાર રમી અને રમાડી રહ્યો છે.

 બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સદર જગ્યાએ દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને આંકડા લખાવવા ઉભેલા ઈસમો નાસી છૂટ્યા હતા. પરંતુ, જમીન પર બેસીને આંકડા લખતા શખ્સને પોલીસે કોર્ડન કરીને સ્થળ પર જ ઝડપી લીધો હતો.ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રઝાકભાઈ યાકુબભાઈ બેલીમ ઉંમર વર્ષ ૪૯, રહે. માતાવાળું ફળિયું, કાલોલ  હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી લેતા ડાબા હાથમાંથી કાર્બન પેપર સાથેની સ્લીપબુક, બોલપેન તથા ખિસ્સામાંથી જુગારના વકરાના રોકડા રૂ. ૧,૦૨૦/- મળી આવ્યા. પકડાયેલ ઈસમ સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.