શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસોથી સમગ્ર સંકુલને સ્વચ્છ અને સુંદર બનાવાયું.
ભારત સરકાર અને લુણાવાડા પ્રાયોજના વહીવટદાર, આદિજાતિ વિકાસની કચેરી દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (EMRS), કડાણા (દીવડા કોલોની) ખાતે આજરોજ વિશેષ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈને સમગ્ર સંકુલને સ્વચ્છ અને સુઘડ બનાવ્યું હતું.
સ્વચ્છતા અભિયાનના ભાગપે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોમાં શ્રમનું મહત્વ સમજાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી સવારથી જ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શાળાના મેદાનની સફાઈ કરી “સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય પૂર્ણા શંકર વર્માના માર્ગદર્શન હેઠળ સંસ્થામાં સતત વિવિધ નૂતન પ્રકલ્પો અને રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી આ કામગીરીની સ્થાનિક સ્તરે સરાહના થઈ રહી છે. આ પ્રકારના આયોજનોથી આદિજાતિ વિસ્તારના બાળકોના ભવિષ્યને નવી દિશા મળી રહી છે.
આ પ્રસંગે આચાર્યએ જણાવ્યું હતું કે, આવા રચનાત્મક કાર્યોથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, એકતા અને સામાજીક જવાબદારીની ભાવના કેળવાય છે, જે આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.