હનીમૂન પર ઈન્ડોનેશિયા ગયેલું અમદાવાદી કપલ ફસાયું, હોટલમાં ગોંધી રાખીને ૧૮ લાખની ખંડણીની માગ

એક અમદાવાદી કપલ અને બીજો એક શખ્સ એમ ૩ ગુજરાતીઓ ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં ફસાયા હતા. આ કપલ હનીમૂન મનાવવા જાકાર્તા ગયું હતું પરંતુ હનીમૂનની વાત તો બાજુએ રહી અને તેમને નર્કનો અનુભવ કરવાનો વારો આવ્યો હતો. શુક્રવારે આ કપલને હોટલમાં ગોંધી રખાયું હતું અને તેમના પરિવાર પાસે ૧૮ લાખની માગ કરવામાં આવી હતી. તેમને હોટલમાં ગોંધી રાખીને ખંડણીની માગ કરનાર લોકોમાં એજન્ટ અને તેના મળતિયા સામેલ છે.

તાજેતરમાં એક અમદાવાદી યુવાનના લગ્ન થયાં હતા અને તેઓ હનીમૂન મનાવવા જાકાર્તા ગયા હતા, તેમની સાથે બીજો પણ એક યુવાન હતો. ૧૮મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાર બાદ હોટલ પહોંચીને એક રુમ લીધો. દરમિયાન શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો અને પોતાની જાતને ઈમિગ્રેશન ઓફિસર તરીકે આપીને પાસપોર્ટ લઈ લીધા હતા. પછી એવું સામે આવ્યું કે એજન્ટ પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ ગુજરાતી કપલને છોડાવવા માટે પરિવાર પાસેથી ૧૮ લાખ રૂપિયા માંગ્યા હતા.

એવું પણ જાણવા મળ્યું છે કે એજન્ટે તેમને નકલી વિઝા આપીને ફસાવ્યાં હતા અને ૧૮ લાખની માગણી કરી હતી. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો હતો. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે.પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે.