
અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પિતાએ પોતાની સ્વ-ઉપાર્જિત મિલકત ખાલી કરાવવા માટે પુત્ર અને પુત્રવધૂ સામે કરેલી ૧૩ વર્ષ લાંબી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. વર્ષ ૧૯૮૦ના દાયકામાં પોતાની કમાણીથી ખરીદેલા ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા આ દંપતીના અંદરોઅંદરના સતત ઝઘડા, કલેશ અને ધમકીઓથી કંટાળીને પિતાએ ૨૦૧૩માં સિવિલ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
સિટી સિવિલ કોર્ટે મહ¥વનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું કે દસ્તાવેજી પુરાવા મુજબ આ પ્રોપર્ટીના એકમાત્ર માલિક પિતા છે અને તેમાં પુત્ર કે પુત્રવધૂનું કોઈ નાણાકીય યોગદાન નથી. આ સાથે કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતાં નોંધ્યું કે સાસુ-સસરાની સ્વતંત્ર માલિકીની મિલકતને પુત્રવધૂ માટે સહિયારું ઘર ગણી શકાય નહીં. અંતે, કોર્ટે દંપતીને ૯૦ દિવસની અંદર આ ઘર ખાલી કરી આપવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગતો મુજબ, પુત્ર અને પુત્રવધૂના લગ્ન વર્ષ ૨૦૦૨માં થયા હતા. ત્યારથી તેઓ આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા, જ્યારે વૃદ્ધ પિતા પહેલા માળે રહેતા હતા. સમય જતાં દંપતી વચ્ચે વૈવાહિક સમસ્યાઓ સર્જાઈ હતી અને સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે તેઓ એક જ ઘરમાં બે અલગ-અલગ રૂમમાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન પતિએ પોતાની પત્ની સામે છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો હતો.
પુત્ર અને પુત્રવધૂ વચ્ચેના સતત ઝઘડા, અવારનવાર થતા કલેશ અને ધમકીઓના કારણે વૃદ્ધ પિતાનું જીવન અશાંત બની ગયું હતું. આ માનસિક ત્રાસથી કંટાળીને અને પોતાના જ ઘરમાં હક મેળવવા માટે પિતાએ વર્ષ ૨૦૧૩માં સિવિલ અરજી દાખલ કરી હતી. પિતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ મકાન તેમણે ૧૯૮૦ના દાયકામાં પોતાની સ્વ-ઉપાર્જિત કમાણીમાંથી ખરીદ્યું હતું અને તેઓ જ તેના એકમાત્ર કાયદેસરના માલિક છે. છતાં પુત્ર અને પુત્રવધૂ ઘરમાં પોતાનો હક દાવો કરીને બહાર જવાનો ઇનકાર કરી રહ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન, પુત્રએ પોતાના પિતાના આ દાવા સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ પુત્રવધૂએ ઘર ખાલી કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજાની ગહન તપાસ કર્યા બાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે દસ્તાવેજી પુરાવાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે અરજદાર પિતા જ આ પ્રોપર્ટીના એકમાત્ર માલિક છે. પુત્ર કે પુત્રવધૂએ આ મકાનની ખરીદીમાં કોઈ નાણાકીય યોગદાન આપ્યું નથી. આ ઉપરાંત, કોર્ટે સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ આદેશનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું હતું કે સાસુ-સસરાની સ્વતંત્ર માલિકીની મિલકતને પુત્રવધૂ માટે ‘સહિયારું ઘર’ ગણી શકાય નહીં. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે દંપતીને ૯૦ દિવસની અંદર આ ઘર ખાલી કરીને પિતાને તેનો કબજા સોંપવાનો આદેશ કર્યો છે.