ગુજરાત હાઈકોર્ટમાં હવે ડિજિટલ યુગઃ પેપરલેસ કોર્ટ માટે ઈ-ફાઈલિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન

ગુજરાત હાઈકોર્ટમાં પેપરલેસ અને ડિજિટલ ન્યાય વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટના પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા નવા પેપરલેસ કોર્ટ મોડ્યુલ અને ઈ-ફાઈલિંગ સોલ્યુશનનું મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ દ્વારા અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ ઇન-હાઉસ વિકસાવવામાં આવેલી આ સિસ્ટમનો મુખ્ય હેતુ કોર્ટની કાર્યવાહી વધુ ડિજિટલ, ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાનો છે. શરૂઆતના તબક્કામાં આ ઈ-ફાઈલિંગ સેવા આર્બિટ્રેશન, ટેક્સ અને સર્વિસ સંબંધિત કેસો માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર તેને અન્ય તમામ પ્રકારના કેસોમાં પણ લાગુ કરવામાં આવશે.

આ સિસ્ટમમાં મુખ્ય ન્યાયમૂર્તિ, અન્ય ન્યાયમૂર્તિઓ, વકીલો, ક્લાર્ક, સરકારી અધિકારીઓ, પક્ષકારો અને રજિસ્ટ્રી સ્ટાફ માટે અલગ-અલગ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડેશબોર્ડ પર રીઅલ-ટાઈમ આંકડા અને કેસ સંબંધિત માહિતી ઉપલબ્ધ રહેશે. મુખ્ય કેસ ઉપરાંત મધ્યવર્તી અરજીઓ, કેવિએટ અને અન્ય દસ્તાવેજા પણ ઓનલાઈન ફાઈલ કરી શકાશે.

સુરક્ષાની દૃષ્ટિએ સિસ્ટમમાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટીકેશન અને બાયોમેટ્રિક સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરેક કેસ ફાઈલનું પેજ નંબરિંગ અને ઇન્ડેક્સિંગ પણ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રીતે કરવામાં આવશે. જેના કારણે જજ, વકીલ અને રજિસ્ટ્રી એક જ કેસ ફાઈલનું એકસરખું પેજ કમ્પ્યુટર અથવા ટચસ્ક્રીન પર જોઈ શકશે.ફાઈલિંગ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે ફાઈલિંગની સ્ક્રુટિની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને કેસમાં રહેલી પ્રક્રિયાત્મક ભૂલોને શરૂઆતના તબક્કે જ ઓળખી શકાશે.

જજ અને વકીલો માટે કેસ ફાઈલ પર ટચ-પેનની મદદથી ડિજિટલ નોંધ અને હાઈલાઈટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાઈલિંગની પહોંચ, સુનાવણીની તારીખ અને કોર્ટના ઓર્ડર સંબંધિત માહિતી વકીલો અને અરજદારોને સીધી વોટ્‌સએપ મારફતે મળી શકશે.

નવી ડિજિટલ વ્યવસ્થા કાર્યરત થતાં કોર્ટમાં કાગળના ઉપયોગ અને ભૌતિક હાજરીની જરૂરિયાતમાં ઘટાડો થવાની શક્યતા છે. ૨૪ કલાક ઓનલાઈન એક્સેસ, ઝડપી સ્ક્રુટિની અને ડિજિટલ પ્રક્રિયાના કારણે કેસ સંબંધિત પ્રક્રિયાગત વિલંબ ઘટાડવામાં મદદ મળશે.

આ અંગે એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ સિસ્ટમથી વકીલો અને પક્ષકારોને અનેક રીતે ફાયદો થશે. ખાસ કરીને ફાઈલિંગ, કેસની માહિતી મેળવવા અને કોર્ટની પ્રક્રિયા સાથે જોડાયેલી કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.