ગુજરાતમાં એક તરફ મહિલા સશક્તિકરણ અને ‘નારીશક્તિ’ના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહિલાઓ સામેના ગુનાઓ અને ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ અને સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં દહેજ, ઘરેલુ હિંસા અને મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં દહેજની માંગણીને કારણે ૧૨૫ યુવતીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લગ્નસંબંધિત હેરાનગતિ અને ઘરેલુ ત્રાસના અનેક બનાવો પણ નોંધાયા છે. આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં મહિલાઓ સામે થતા ગુનાઓમાં લગભગ ૩૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ સંબંધિત કેસોમાં વધારો ચિંતાજનક છે.
રાજ્યમાં લગ્નસંબંધિત ગુનાઓ હેઠળ ૪૮૬ યુવતીઓના અપહરણના કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત અનેક પરિવારોમાં મહિલાઓને દહેજની માંગણી અને અન્ય કારણોસર માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો છે.
પોલીસ રેકોર્ડ મુજબ પતિ દ્વારા થતા અત્યાચારના ૯૧૮૨ જેટલા કેસ નોંધાયા છે. જેમાં મારપીટ, માનસિક ત્રાસ, શાબ્દિક અપમાન અને આર્થિક શોષણના મામલાઓ સામેલ છે. ‘ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫’ હોવા છતાં મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં ઘટાડો જાવા મળતો નથી. વિશેષજ્ઞોના મતે કાયદાનો કડક અમલ ન થવો અને સમયસર ન્યાય ન મળવો આ સ્થિતિનું મુખ્ય કારણ બની રહ્યું છે.
સરકારી યોજના ‘૧૮૧ અભયમ’ હેલ્પલાઇન પર વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧.૬૮ લાખથી વધુ કોલ આવ્યા હતા, જેમાંથી લગભગ ૪૦ ટકા કેસ ઘરેલુ હિંસા સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.
શહેરો અને ગામોમાં વિકાસના દાવાઓ વચ્ચે મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સતત વધતા આંકડાઓ રાજ્યમાં મહિલા સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિકતા પર ચર્ચા ઊભી કરી રહ્યા છે.
વિશેષજ્ઞોના મતે, કાયદા હોવા છતાં તેનો કડક અમલ અને સમયસર કાર્યવાહીનો અભાવ પણ આવી ઘટનાઓ વધવાનું એક મુખ્ય કારણ છે. મહિલા સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન સ્તરે તેની અસર મર્યાદિત દેખાઈ રહી છે.
મહિલા સુરક્ષા અને સશક્તિકરણના દાવાઓ વચ્ચે વધતા ઘરેલુ હિંસાના આંકડા રાજ્ય માટે ચિંતાનો વિષય બન્યા છે. હવે સવાલ એ છે કે, શું માત્ર અભિયાનો અને સૂત્રોથી મહિલાઓ સુરક્ષિત બનશે કે પછી તંત્રને વધુ કડક અને અસરકારક પગલાં ભરવાની જરૂર છે?