ચોમાસાની ખેતીની સીઝનમાં દાહોદ જિલ્લાના ખેડુતોને ખાતર માટે અગવડતા ન પડે અને સમયસર જથ્થો મળી રહે તે માટે દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે દિલ્હી અને ગાંધીનગર કક્ષાએ રજુઆતો કરી છે. સાંસદ આઈએફએફસીઓ ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી તથા રાજયના કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ દાહોદ રેલ્વે સ્ટેશન પર જ નવો ખાતર રેક પોઈન્ટ મંજુર કરવાની માંગ કરી હતી.
રજુઆતમાં સાંસદે જણાવ્યુ હતુ કે, દાહોદ જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. હાલમાં ખેડુતોને ગોધરા રેલ્વે સ્ટેશન પરથી ખાતરનો જથ્થો પુરો પાડે છે. જેના કારણે પરીવહનમાં સમય વધુ લાગે છે અને છેવાડાના ખેડુતો સુધી જથ્થો પહોંચવામાં વિલંબ થાય છે. જો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે જ નવો રેક પોઈન્ટ મંજુર કરે તો ખાતર સીધુ દાહોદ પહોંચશે. આનાથી સમય અને પરીવહન ખર્ચ બંને ધટશે. તદ્ઉપરાંત સાંસદે આયાતી યુરિયા ખાતરની સપ્લાય પોઈન્ટ પણ દાહોદ ખાતે મંજુર કરવા રજુઆત કરી છે. કારણ કે, જુલાઈના અંત સુધીમાં કંપનીઓ પાસેથી અંદાજે ૬,૦૦૦ મે.ટન ખાતરનો જથ્થો મેળવવાની બાકી રહે છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની રજુઆતના પગલે દાહોદ જિલ્લા માટે બંધ કરી દેવાયેલુ ગોધરા રેક પોઈન્ટ પુન: શ કરી દેવાયુ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પી.એમ.પટેલના જણાવ્યા મુજબ ઈફકો, કૃભકો અને જીએનએફસી દ્વારા બે જ દિવસમાં કુલ ૧૬૪૦ મે.ટન યુરિયા ખાતરનો જથ્થો જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યો છે. બાકી રહેતો ૬,૦૦૦ મે.ટન ખાતરનો જથ્થો ૫ણ ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે. ગોધરાથી સપ્લાય શ થતાં અને દાહોદ ખાતે કાયમી રેક પોઈન્ટ માટે કામગીરી આગળ વધારવામાં આવી છે.