
ગોધરા તાલુકામાં પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પાંચ ગાડીઓમાંથી કુલ 37 પશુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે આશરે ₹16.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સંતરોડથી ઘોઘંબા તરફ કતલના ઈરાદે પશુઓ લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે બ્લુપુરા રેલ્વે ફાટક નજીક ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું.પોલીસને જોઈને પાંચમાંથી ત્રણ વાહનચાલકો ગાડીઓ છોડીને ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે બે વાહનચાલકોને ઘટનાસ્થળેથી પકડી પાડ્યા હતા.

ગાડીઓની તપાસ કરતા તેમાં નાના-મોટા પાડા, ભેંસો અને પાડીઓને ક્રૂરતાપૂર્વક, ખીચોખીચ અને જીવલેણ હાલતમાં તંગ દોરડાઓથી બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ 31 પાડા, 4 ભેંસો અને 2 પાડી સહિત 37 પશુઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પશુઓ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન, પાંચ વાહનો અને દોરડાં સહિત કુલ ₹16.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ પશુઓને સુરક્ષિત રીતે જીવદયા ધામ, પાંજરાપોળ પરવડી ખાતે મોકલવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓમાં હનીફ મોહમંદ પુવાલીયા અને ઇક્લાસ યુસૈન પિંજારાનો સમાવેશ થાય છે. ફરાર થયેલા ત્રણ વાહનચાલકોની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની આ ઝડપી અને સક્રિય કામગીરીને કારણે મોટા પ્રમાણમાં થઈ રહેલી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અને તેમના પ્રત્યેની ક્રૂરતા અટકાવવામાં આવી હતી.