
કચ્છના રાપર તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા વધુ એક પાકિસ્તાની યુગલને ઝડપી પાડવામાં આવ્યું છે. પીલર નંબર 1016 પાસે પાકિસ્તાનના મીઠી ગામના વતની પોપટ કુમાર (ઉંમર 24,) અને ગૌરીને પકડવામાં આવ્યા હતા. પોણા બે મહિનાની અંદર કચ્છ સરહદેથી આ બીજુ પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. આ પહેલા રતનપર ખડીર વિસ્તારમાંથી તોતો અને મીના નામના પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા.
કુડા ગામ પાસેથી પાકિસ્તાની યુગલ ઝડપાયું આજે BSFના જવાનોએ સરહદી વિસ્તાર કુડા ગામ પાસેથી આ પાકિસ્તાની યુગલને ઝડપી પાડ્યું છે. હાલ BSF દ્વારા યુગલની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આવતીકાલે બાલાસર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
યુગલ સામે બાલાસર પોલીસ દફ્તરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે આ અંગે મળતી માહિતી મુજબ રાપર તાલુકાના રણ કાંધિના કુડા ગામ સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પકડાયેલા પાકિસ્તાની યુગલને સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા આવતીકાલે બાલાસર પોલીસને સોંપવામાં આવશે. જોકે, કુડાના રણમાં વરસાદી પાણી સુકાયા ન હોવાથી સુરક્ષા જવાનોએ બનાસકાંઠાના સુઈ ગામના માર્ગ પરથી બાલાસર પહોંચવું પડશે. સાંજ સુધીમાં પાક. યુગલ સામે બાલાસર પોલીસ દફ્તરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં દરિયામાં ફેરવાયેલી રણ સરહદ પાર કરી ભારતમાં ઘૂસી અંદાજે 60 કિમી દૂર છેક રતનપરના સીમાડે આવેલા સાંગવારી માતા મંદિર નજીક સુધી પહોંચી ગયાં હતાં. ગ્રામજનોએ બન્નેને ઝડપી પાડ્યા હતા. એક જ જ્ઞાતિ અને નુકના પ્રેમી-પ્રેમિકા પોતાના દેશમાંથી ભાગીને ભારતમાં શરણ લેવા ઘુસી આવ્યા હતા. જોકે, પાસપોર્ટ નિયમના ભંગ બદલ બન્ને પાકિસ્તાની યુવક-યુવતી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે બંનેને ગાંધીધામના ગળપાદર ખાતેની જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.
તોતો અને મીના નામના પ્રેમી યુગલને ખડીર બેટના રતનપરના ગ્રામજનોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. જ્યાં પોલીસ નિવેદનમાં પોતે સગીર વયના હોવાનો દાવો કરાયો હતો. જોકે, પકડાયેલા બન્ને પાકિસ્તાનીઓ વય નિર્ધારિત કરવા ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાઈ હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની પ્રેમી પંખીડા પુખ્તવયના હોવાનું ખુલ્યું પામ્યું હતું.
બંને પ્રેમી ભીલ સમાજના અને એક જ નુકના હોવાનો ખુલાસો થયો હતો. બન્ને જણા પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામ કોટ તાલુકાના લસરી ગામના રહેવાસી છે. આ પ્રેમી પંખીડા પરિવારના લગ્ન વિરોધના પગલે 4 ઓક્ટોમ્બરની રાત્રિએ ઘરેથી ભાગી ગયા હતા.
બંન્ને જણા પગે ચાલીને ભારત સરહદ નજીક પહોંચ્યા હતા અને રાત્રિના અંધકારનો લાભ લઈ કાંટાળી તાર નિચેથી દેશની સરહદમાં ઘુસી આવ્યા હતા. અફાટ રણમાં ચાલી, વરસાદી પાણીના સહારે ત્રીજા દિવસે ખડીરની 800 મીટર પહાડી સર કરી રતનપર ગામના સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં ભૂખના કારણે બીજા દિવસે તેઓ અશક્ત બની લાકડા કાપતા શ્રમિકોના ખાટલા ઉપર સુઈ ગયા હતા અને સ્થનિક લોકોના હાથે ચડી ગયા હતા.