ગોધરામાં બી.એલ.ઓ.કામગીરીના ધરપકડ વોરંટથી એક શિક્ષકની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ધટના બાદ પ્રાથમિક શિક્ષક મહાસંઘે રાજયભરમાં ધરણા ધરવાની ચિમકી ઉચ્ચારી છે.
ગોધરા તાલુકાના વાવડી બુઝર્ગ પ્રા.શાળાના શિક્ષક મણીલાલ કાળુભાઈ વાઘડિયા સામે મતદાર યાદી સુધારણા કામગીરીને લઈ પ્રાંત અધિકારીએ ધરપકડ વોરંટ કાઢ્યુ હતુ. વોરંટ મળતા શિક્ષક તણાવમાં આવી ગયા હતા. શિક્ષક મણીલાલ કાળુભાઇ વાઘડિયાએ જણાવ્યુ હતુ કે, ‘મને સાયનસની બિમારી છે, આ કામગીરી બીજી જગ્યાની છે અને મારા બુથ સિવાયની છે. મારા નોકરીના સ્થળની દુરની છે તો ના આપો તો સા’સાહેબે મારી વાતને નહિ સાંભળી અને મને ખુબ ધમકાવ્યો કે, ‘તમારી ૨૫ વર્ષની નોકરી થઈ હોય કે ૨૬ વર્ષની થઈ હોય, ગમે તેટલી નોકરી કરી હોય, તમારો ઓર્ડર રદ્દ નહિ થાય…તમારે હાજર થવાનુ’ ‘પ્રાંત અધિકારી મોદીએ મને ધમકાવ્યા અને ત્યારપછી મને ખબર નહિ ટેન્શન વધી ગયુ શુ થયુ તો હું બેભાન થઈ ગયો’. વોરંટ બાદ શિક્ષક પોલસ સ્ટેશન હાજર થયા હતા. તેમને પ્રાંત અધિકારી સમક્ષ રજુ કરાયા ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડ્યા. તેમને તરત જ ગોધરા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. ડો.સંદિપ શર્મા મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ, ગોધરા જણાવ્યુ કે, શિક્ષક મણીલાલ કાળુભાઈ વાઘડિયાને બ્લડપ્રેશર વધી ગયેલી હાલતમાં લાવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ધટનાથી પ્રાથમિક શિક્ષક મહાસંઘમાં નારાજગી છે. સંઘના હોદ્દેદારોને પ્રાંત અધિકારીએ મળવાનો ઈન્કાર કરતા તેમણે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. સંઘે ચિમકી ઉચ્ચારી છે કે, જો તેમની વાત નહિ સંભળાય તો રાજયભરમાં ધરણા કરાશે.