
શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં માતિ ટિમ્બર ખાતે પાછલા ૩૦ વર્ષથી ચાલતી પ્રાચીન ગરબાની પરંપરા આ વર્ષે પણ ઉત્સાહભેર જળવાઈ રહી છે. આધુનિક ડીજેના યુગમાં પણ સ્વ. દાનાભાઈ શેઠીયાના સંકલ્પને સાકાર કરતા આયોજકો દ્વારા માત્ર ઢોલના તાલે પ્રાચીન ગરબાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે.

શહેરા નગરમાં આદ્યાશક્તિ જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી નિમિત્તે અબાલ-વૃદ્ધ સૌ કોઈ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયા છે. નગરમાં વિવિધ સ્થળોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી રહી છે, ત્યારે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં ‘માતિ ટિમ્બર’ ખાતે પાછલા ૩૦ વર્ષથી સતત યોજાતા ગરબા આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સમય બદલાયો, ડીજે અને આધુનિક સાઉન્ડ સિસ્ટમનો યુગ આવ્યો, તેમ છતાં મારૂતિ ટિમ્બર ખાતે આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ માત્ર ને માત્ર ઢોલના તાલે અને માતાજીના પ્રાચીન ગરબા ગાઈને ખેલૈયાઓ ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમી રહ્યા છે. માતિ ટિમ્બર ખાતે નવરાત્રી ગરબા મહોત્સવની શરૂઆત પાછળ એક પવિત્ર સંકલ્પ જોડાયેલો છે. માતિ ગ્રુપના રીતેશભાઈ પટેલ અને ધનસુખભાઈ પટેલના સ્વર્ગસ્થ પિતા દાનાભાઈ વિશ્રામભાઈ શેઠીયા દ્વારા આજથી ૩૦ વર્ષ પહેલાં આ ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્વ. દાનાભાઈની એકમાત્ર ઈચ્છા અને સંકલ્પ હતો કે આજના આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિ, મર્યાદા અને પ્રાચીન ગરબાની પરંપરા જીવંત રહે. પિતાના આ ભાવ સભર વિચાર અને મિશનને પુત્રો રીતેશભાઈ અને ધનસુખભાઈ પટેલે શિરોમાન્ય રાખીને આજે પણ એ જ આસ્થા અને શ્રદ્ધા સાથે આગળ વધાવી રહ્યા છે.માતિ ટિમ્બરના ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે અહીં કોઈપણ જાતના ભપકા કે આધુનિક ઘોંઘાટ વગર માત્ર ઢોલના પરંપરાગત ધબકારે માતાજીના છંદ અને પ્રાચીન ગરબા ગવાયા છે. જેના કારણે શહેરા નગર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ગરબા નિહાળવા માટે ઉમટી પડે છે. દરરોજ રાત્રે અહીં અંદાજે ૧૦૦૦ જેટલા ખેલૈયાઓ એકસાથે ગરબે રમે છે, જેના કારણે વિશાળ ગરબા ગ્રાઉન્ડ પણ નાનું પડતું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. આ ગરબા મહોત્સવમાં ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ મોટી સંખ્યામાં સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે પ્રકારનું ઉત્કૃષ્ટ આયોજન માતિ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા અને સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત, નવરાત્રી પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોગ્ય પોઈન્ટ બનાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. માતિ ટિમ્બર ખાતે ૩૦ વર્ષથી સતત ચાલતી આ પ્રાચીન ગરબાની પરંપરાએ શહેરા નગરમાં સંસ્કૃતિ અને સંસ્કારનો દીપક પ્રજ્વલિત રાખ્યો છે, જેની સમગ્ર પંથકમાં ભારે સરાહના થઈ રહી છે.