સંતરામપુરની સહકારદિપ સોસાયટીમાં ૧૦ દિવસથી પાણી નહિ આવતા પૈસા ખર્ચી પાણી લેવા મજબુર

સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી સહકાર દિપ સોસાયટીના રહિશો છેલ્લા લાંબા સમયથી પાલિકાના પાણી વિતરણથી સંપુર્ણપણે વંચિત રહ્યા છે. પાલિકા દ્વારા પાણીનો વાલ્વ ખોલવામાં આવે છે છતાંય સોસાયટીના રહિશોના નળમાં એક પણ ટીપું પાણી નહિ આવતા સ્થાનિક રહેવાસીઓમાં નગરપાલિકા તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે.

સોસાયટીના રહિશો છેલ્લા ૧૦ દિવસથી દિવસમાં ત્રણથી ચાર વાર પાણી ચાલુ કરવા છતાં પાણી ન મળવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રમુખ અને ચુંટાયેલા સભ્યોને અનેકવાર લેખિત તેમજ મોૈખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યુ નથી. સંતરામપુર નગરપાલિકાની બેદરકારીના કારણે નાછુટકે રહિશોએ વિસ્તારના બોરનો સહારો લેવો પડી રહ્યો છે. આ ઉપરાંત પીવાના પાણીના માટે રોજના ‚પિયા ખર્ચીને પાણીના જગ ખરીદવા મજબુર બન્યા છે. ચુંટણી સમયે મત લેવા આવતા નેતાઓ આજે પ્રજાની પ્રાથમિક સુવિધા સમાન પાણીના પ્રશ્ર્ને મુકપ્રેક્ષક બન્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જોક વહેલી તકે આ ગંભીર સમસ્યાનુ નિરાકરણ લાવવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.