બોડેલી પાલિકાએ ઓરસંગ નદી કિનારે ખાનગી જમીનમાં ડમ્પિંગ યાર્ડ ઉભું કર્યુ

બોડેલી નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીના કિનારે આવેલી ખાનગી માલિકીની જમીનમાં ડમ્પિંગ યાર્ડ ઉભું કરી સમગ્ર શહેરનો કચરો ત્યાં ઠલવાતો હોવાનુ બહાર આવ્યુ છે. આ મામલે જમીન માલિકે નગરપાલિકાને લેખિત અરજી કરી જગ્યાનુ ભાડું આવતા અંગે માંગણી કરી છે.

આ ડમ્પિંગ યાર્ડની બાજુમાં જ બોડેલીનુ સ્મશાન તેમજ ખોજા સમાજનુ કબ્રસ્તાન આવેલુ છે. ધાર્મિક અને સામાજિક લાગણીઓ સાથે જોડાયેલા સ્થળોની નજીક કચરાના ઢગલાથી દુર્ગંધ અને ગંદકીના કારણે અંતિમવિધિ માટે આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નિયમો મુજબ નદી-નાળા, કુવા જેવા કુદરતી જળસ્ત્રોતોની નજીક કોઈપણ પ્રકારનુ ડમ્પિંગ યાર્ડ બનાવી શકાતુ નથી. તેમ છતાં આક્ષેપ છે કે, બોડેલી પાલિકાએ કાયદાને નેવી મુકીને ઓરસંગ નદીના કિનારે જ ડમ્પિંગ યાર્ડ ઉભું કર્યુ છે. ચોમાસા દરમિયાન કચરો અને દુષિત પાણી નદીમાં ભળવાથી જળપ્રદુષણ અને આસપાસના કુવાઓના પાણી દુષિત થવાનુ જોખમ છે. સ્થાનિકોમાં આ બાબતે રોષ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ડમ્પિંગ યાર્ડ અન્યત્ર ખસેડવા માંગ ઉઠી છે.