છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણીના વિવાદમાં ૨૬ સભ્યોને ગાંધીનગર તેડાયા

છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં તાલુકા પંચાયતના ગેટ ઉપરથી ત્રણ સભ્યોને ઉઠાવી જવાની ધટનામાં આપના સભ્યોએ માનવ અધિકારી પંચ અને ગુજરાત રાજય ચુંટણી પંચને અરજી કરી હતી. જેને લઈ વિકાસ કમિશનરે તમામ ૨૬ સભ્યો અને તાલુકા વિકાસ અધિકારીને નોટિસ આપી ગાંધીનગર ખાતે બોલાવી સુનાવણી રાખી છે.

છોટાઉદેપુર તાલુકા પંચાયતની ૨૬ બેઠક પર સામાન્ય ચુંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના ૧૩ બેઠકો ઉપર તાલુકા પંચાયતના સભ્યો ચુંટાયા હતા. જયારે ૧૩ બેઠકો ઉપર ભાજપના સભ્યો ચુંટાયા હતા. રાજય સરકાર દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ચુંટણી માટે તા.૨૩/૫/૨૬ ના રોજ સામાન્ય સભા રાખવા આદેશ કરાતા છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારીએ આપ અને ભાજપાના તાલુકા પંચાયતના સભ્યોને મિટીંગમાં હાજર રહેવા માટે એજન્ડા ફાળવ્યા હતા. તે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચુંટણી માટે છોટાઉદેપુર પોલોટેક્રિક કોલેજના કેમ્પસમાંથી તાલુકા પંચાયતમાં પહોંચવા માટે ૧૩ આપના સભ્યો પોલીસની હાજરીમાં પ્રવેશ્યા હતા. પગપાળા ગેટ પાસે પહોંચતા આપના ત્રણ સભ્યોને કારમાં ઉઠાવી જતાં હોબાળો મચ્યો હતો. આપ પાર્ટીના બાકી રહેલા તમામ સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણીના ચુંટણી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. પરંતુ ચુંટણી અધિકારીએ તેઓની રજુઆત નહિ સાંભળી ચુંટણીની પ્રક્રિયા ચાલુ રાખતા આપના બાકી સભ્યોએ ચુંટણીનો વિરોધ કરી ગેરહાજર રહેતા તેઓ વગર ભાજપમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દીધી હતી. જેને લઈ આપના તાલુકા પંચાયત સભ્યા નાયકા બાવાભાઈ મુંગાભાઈએ ચુંટણી પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી ગુજરાત રાજય માનવ અધિકારી આયોગ તેમજ વિકાસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. તપાસના આદેશ આપતા છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ચુંટાયેલા તમામ ૨૬ સભ્યોને વિકાસ કમિશનર કાયદા શાખા દ્વારા તા.૨૯/૧૦/૨૬ ના રોજ હાજર રહેવા માટે નોટિસ આપી છે. છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારીને પણ નોટિસ આપી છે.