કાલોલ મહાલક્ષ્મી ચોક ખાતે પરંપરાગત ૬૭મા ગરબા મહોત્સવમાં જામી ભારે ભીડ; શ્યામ કલાવૃંદના સૂરીલા તાલે યુવાઓ ઝૂમ્યા

કાલોલના ઐતિહાસિક મહાલક્ષ્મી ચોક ખાતે છેલ્લા ૬૭ વર્ષોથી અવિરતપણે યોજાતા પરંપરાગત ગરબા મહોત્સવમાં છઠ્ઠા નોરતે અસંખ્ય લોકોની ભારે ભીડ જામી હતી. મા મહાલક્ષ્મી મંદિરના પાવન ચોકમાં સાક્ષાત માતાજીની હાજરીમાં વર્ષોથી આ પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે.

બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ ભવ્ય મહોત્સવમાં છઠ્ઠા નોરતાના દિવસે શ્યામ કલાવૃંદના કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયેલા સૂરીલા તાલ અને શરણાઈના મધુર સૂર પર યુવાઓ ભારે ઉત્સાહ અને થનગનાટ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા.

માતાજીની આરાધનાના આ પર્વમાં કાલોલ પંથકના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિભાવ સાથે ગરબા મહોત્સવનો આનંદ માણ્યો હતો.