છોટાઉદેપુર નગરના નાગરિકો અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો માટે એક અત્યંત આનંદ અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે
છોટાઉદેપુરમાં ભૂતકાળમાં પરંપરાગત રીતે યોજાતો પરંતુ વર્ષોથી બંધ થઈ ગયેલો લોકપ્રિય દશેરાનો મેળો આ વર્ષથી પુન: શરૂકરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવી છે.
છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગણી અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આ મેળો પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
આગામી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ છોટાઉદેપુર નગરમાં દશેરાના પાવન પર્વે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાના સફળ અને સુચા આયોજન માટે તેમણે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને વિસ્તૃત ચર્ચાઓ કરી છે.
સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, વીજળી, અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર સાથે મળીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ મેળો પુન: શરૂ થવાની જાહેરાત થતાં જ સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. દશેરાના દિવસે યોજાનારા મેળામાં નગરજનો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.