શહેરાના ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિર ખાતે ધારાસભ્ય આયોજીત નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે અંદાજે ૫૦,૦૦૦થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડીયાર માતાજીના મંદિર ખાતે ધારાસભ્ય જેઠાભાઈ આહીર દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતે સ્થાનિક જીલ્લા તેમજ આજુબાજુના પાડોશી જીલ્લાઓમાંથી અંદાજે ૫૦,૦૦૦ કરતાં વધુ ખેલૈયાઓ અને માઈ ભક્તો ગરબાની મોજ માણવા માટે ઉમટી પડ્યા હતા.

શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે નવરાત્રી પર્વમાં ભક્તિ અને ઉત્સાહનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ખોડીયાર માતાજીના મંદિર પરિસરમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના છઠ્ઠા નોરતે આયોજીત આ ગરબા મહોત્સવમાં લોક ગાયક કલાકાર વિજય સુવાળાએ પોતાના સુરીલા અવાજથી સુર અને સંગીતની એવી રમઝટ જમાવી કે ઉપસ્થિત હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માતાજીના ગરબાના તાલે આખું ગ્રાઉન્ડ ભક્તિમય બની ગયું હતું.અહીં શહેરા તાલુકો જ નહીં, પરંતુ સમગ્ર પંચમહાલ જીલ્લા તેમજ આજુબાજુના પાડોશી જીલ્લાઓમાંથી પણ અંદાજે ૫૦,૦૦૦ કરતાં વધુ ખેલૈયાઓ અને માઈ ભક્તો ગરબાની મોજ માણવા માટે ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીના કારણે ખોડીયાર માતાજીનું સમગ્ર મંદિર પરિસર અને ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલોછલ ભરાઈ ગયેલું જોવા મળ્યું હતું.

ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આ આયોજન અને સુદ્રઢ વ્યવસ્થાથી મોડી રાત સુધી ખેલૈયાઓએ સુરક્ષિત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. કોઈ અપ્રિય બનાવ ન બને અને વાહનવ્યવહાર યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા ગ્રાઉન્ડ તેમજ મંદિરના તમામ પ્રવેશ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.