
ગ્રામીણ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે ગોધર તાલુકા ખાતે આયોજીત ૩ દિવસીય કૃષિ સખી તાલીમ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સશક્ત નારી, સમૃદ્ધ ખેતીના સંકલ્પને સાકાર કરવાના આ પ્રયાસ થકી સ્થાનિક બહેનોને કૃષિ ક્ષેત્રમાં સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાની નવી પહેલ હાથ ધરવામાં આવી છે.
આ ત્રિ-દિવસીય સઘન પ્રશિક્ષણ દરમિયાન ઉપસ્થિત ગ્રામીણ મહિલાઓને રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, વૈજ્ઞાનિક ઢબે પાક સંરક્ષણ, જીવામૃત અને દેશી ખાતરનું સંતુલિત વ્યવસ્થાપન તેમજ ખેતી ખર્ચ ઘટાડવાની પદ્ધતિઓ અંગે તજજ્ઞો દ્વારા વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અર્થે અમલી વિવિધ યોજનાઓ, સબસિડી અને આર્થિક સહાય વિશે પણ બહેનોને માહિતગાર કરવામાં આવી હતી.
તાલીમબદ્ધ થયેલી આ કૃષિ સખીઓ હવે માત્ર પોતાના ખેતરો પૂરતી સીમિત ન રહેતાં, ગ્રામ્ય સ્તરે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે. ગામના ખેડૂતો અને કૃષિ તંત્ર વચ્ચે મહત્વની કડી બનીને આ કૃષિ સખીઓ ખેતીને નફાકારક બનાવવા અને સમગ્ર વિસ્તારમાં કૃષિ ક્રાંતિ લાવવા અગ્રેસર રહેશે.