કડાણા તાલુકાના સરસવા ગામે MGVCL દ્વારા વીજ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

વીજ ચોરીથી નહીં, પરંતુ વીજ બચતથી વીજ બિલ ઘટાડવા નાગરિકોને અનુરોધ

સરકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે વીજ જોડાણ મેળવવા માર્ગદર્શન અપાયું

મહીસાગર: કડાણા તાલુકાના સરસવા ગામ ખાતે વીજ કચેરીના ચોપડે ૨૯૨ જેટલા વીજ ચોરીના કિસ્સાઓ ધ્યાને આવતાં, ગ્રામજનોમાં સભાનતા કેળવવાના ઉમદા આશય સાથે સરસવા પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા એક વિશેષ વીજ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. એમજીવીસીએલ લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી યુ. એ. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વીજ ચોરી અટકાવવા, નિયમિત બિલ ભરપાઈ કરવા તથા સલામતીના નિયમો પાળવા અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વીજ અધિકારીઓએ ગ્રામજનોને વાસ્તવિકતા સમજાવતાં જણાવ્યું હતું કે, અન્ય રોજીંદી જીવનજરૂરી ચીજવસ્તુઓની તુલનામાં વીજ વપરાશનો ખર્ચ અત્યંત ઓછો છે; દૈનિક વીજ ખર્ચ માત્ર ‘ચા ની પ્યાલી’ જેટલો જ સામાન્ય થતો હોય છે. આમ છતાં, ગ્રાહકો રોજીંદી જરૂરિયાતો પાછળ તુરંત રોકડ ખર્ચ કરતા હોય છે, જ્યારે મહિનાના વપરાશ પછી આવતા વીજ બિલની ચૂકવણીમાં વિલંબ કરતા હોય છે કે વીજ ચોરી તરફ વળતા હોય છે. વીજ ખર્ચ વધુ આવે છે તેવા ખોટા ભ્રમનું નિવારણ કરતાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વીજ બિલ ઓછું કરવાનો સાચો માર્ગ વીજ ચોરી નહીં, પરંતુ વીજળીની કરકસરયુક્ત બચત અને સમયસર બિલની ભરપાઈ છે.

આ ઉપરાંત જે પરિવારો પાસે વીજ જોડાણ નથી, તેઓ અનધિકૃત વીજ વપરાશ કરવાને બદલે સરકારી કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મેળવે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં બીપીએલ (BPL) કાર્ડધારકો તેમજ વાર્ષિક રૂ. ૧.૫૦ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને સરકાર દ્વારા વિનામૂલ્યે વીજ જોડાણ આપવાની જોગવાઈ છે, તેની સરળ અરજી પ્રક્રિયા ગ્રામજનોને સમજાવી નિયમાનુસાર કનેક્શન મેળવવા અનુરોધ કરાયો હતો.

વિશેષમાં, માનવ તેમજ પશુ વીજ અકસ્માતો નિવારવા માટે વીજ સલામતીના પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વીજ કંપનીની લાઈનો કે વાયરો સાથે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર છેડછાડ ન કરવા તેમજ પશુઓને વીજ થાંભલા કે તેને ટેકો આપતા તાણીયા (સ્ટે વાયર) સાથે ક્યારેય ન બાંધવા ગ્રામજનોને ખાસ તાકીદ કરવામાં આવી હતી. વધુ વીજ ચોરી ધરાવતા ગામોમાં ગ્રાહકોને જવાબદાર નાગરિક બનાવવાના હેતુથી વીજ તંત્ર દ્વારા આવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ જનજાગૃતિ સભામાં એમજીવીસીએલ લુણાવાડા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર શ્રી આર. બી. માલિવડ, કડાણા પેટા કચેરીના નાયબ ઇજનેર શ્રી એન. કે. ગરવાલ, સરસવા ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.