ગોધરાની ‘બદામ ગેંગ’ના વધુ બે આરોપીઓની ધરપકડ : રમઝાની ચુંચલાના ૧ દિવસ અને અનસના ૨ દિવસના રિમાન્ડ મંજુર

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ(ગુજસીટોક)હેઠળ દાખલ કરાયેલા ગંભીર ગુનાના ગોધરાની કુખ્યાત બદામ ગેંગના વધુ બે આરોપીઓ રમઝાની ઉર્ફે અબુલીયો ચુચલા અને અનસ ઉર્ફે ભોપો હયાતની ધરપકડ કરીને વડોદરાની ગુજસીટોક કોર્ટ સમક્ષ ૩૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટ દ્વારા રમઝાની ચુચલાના એક દિવસ અને અનસના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર બદામ ગેંગના મુખ્ય સુત્રધારો ઈસ્હાક બિલાલ બદામ, અનસ હયાત અને સલીમ ઉર્ફે ચકલી મેંદા સહિત ૧૨ આરોપીઓએ સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ બનાવી છેલ્લા ૧૦ વર્ષમાં રેલ્વે સંપત્તિમાં ચોરી, ધાડ, લુંટ, ચેઇન સ્નેચિંગ, અપહરણ, ધરફોડ ચોરી અને સરકારી કર્મચારીઓ પર હુમલા જેવા કુલ ૯૩ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે. આ ટોળકી વિરુદ્ધ રાજયના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા આરોપી રમઝાની સામે કુલ ૮ અને અનસ સામે કુલ ૧૮ ગુનાનો નોંધાયેલા છે. તપાસ અધિકારીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, આરોપીઓ તપાસમાં અસ્પષ્ટ માહિતી આપી રહ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલી બેનામી મિલ્કતો, સીમકાર્ડ, નાણાંકિય સ્ત્રોતો અને અન્ય સાગરિતોની તપાસ કરવા માટે આરોપીઓની પ્રત્યક્ષ હાજરીમાં પુછપરછ જ‚રી હોવાથી ૩૦ દિવસના રિમાન્ડની માંગણી સામે ગુજસીટોકના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ દ્વારા રમઝાની ચુચલાના ૧ દિવસના રિમાન્ડ અને અનસ હયાતના ૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.