દાહોદમાં નવરાત્રીના આઠમાં નોરતે નગરજનો ગરબાના રંગે રંગાયું

દાહોદમાં નવરાત્રિના આઠમાં નોરતે જાણે આખું શહેર ગરબાના રંગે રંગાઈ ગયું હતું. શહેરનાં મોટાં ગરબા મેદાનોથી લઈને શેરીઓ, પોળો, સોસાયટીઓ મા ભક્તિ, ઉત્સાહ અને પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાત પડતાં જ પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ ગરબાનાં મેદાનો તરફ ઉમટી પડ્યા હતા. ઢોલના નાદ, ગરબાનાં ગીતો અને માતાજીના જયઘોષ વચ્ચે ખેલૈયાઓએ તાલબદ્ધ પગલાં સાથે નવરાત્રિની ઉજવણી કરી હતી. અનેક સ્થળોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ જામતાં દાહોદ જાણે આખી રાત જાગતું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.

હનુમાન બજાર, ર્માં શક્તિ, શિવશક્તિ,આધ્યશક્તિ જેવા શહેર ના નામચીન મોટા ગરબા મેદાન ખાતે યોજાયેલા દાહોદ નવરાત્રિ મહોત્સવ સહિત શહેરનાં વિવિધ શહેરી ગરબા આયોજનોમાં ખેલૈયાઓનો ઉત્સાહ જોવા જેવો હતો. રંગબેરંગી ચણિયાચોળી, કેડિયાં, પાઘડીઓ અને પરંપરાગત આભૂષણોથી સજ્જ યુવક-યુવતીઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યાં હતાં. યુવાનોની સાથે પરિવારો અને વિવિધ વયજૂથના લોકો પણ માતાજીની આરાધનામાં જોડાયા હતા. સંગીતના સૂર સાથે એકસાથે ફરતાં ખેલૈયાઓએ મેદાનોમાં ઉત્સવની રોનક વધારી દીધી હતી. શિવશક્તિ ગરબા મહોત્સવ અને મા શક્તિ ગરબા મહોત્સવ સહિતનાં વિવિધ આયોજનોમાં નવરાત્રિની રંગત જોવા મળી આ પરંપરાગત ગરબાની સાથે આધુનિક સંગીતની ધૂનોએ પણ યુવાવર્ગને આકર્યો હતો.