
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર ટીંબા રોડ નજીક જાહેરમાં એક યુવકને ઢોર માર મારવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, દિગ્વિજયસિંહ નરેન્દ્ર ઠાકોર નામના યુવકને ચાર જેટલા ઈસમોએ સુદર્શન હોટલ પાસે રસ્તા પર જ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યુવકને જમીન પર પછાડી લાતો અને મુક્કાઓ વડે સતત માર મારવામાં આવતો હોવાનું જોવા મળે છે. ગંભીર મારપીટના કારણે યુવક અર્ધબેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, ગત મોડી રાત્રે કોઈ વાતને લઈને થયેલી તકરાર બાદ ચરારી ગામના રાહુલ સત્રાભાઈ સહિત અન્ય ત્રણ યુવકોએ મળીને દિગ્વિજયસિંહ પર હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પર થયેલી આ હિંસક ઘટનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
ઘટનાની જાણ થતાં જ કાકણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તથા સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા વાયરલ વીડિયો સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.