ગરબાડા: પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, અરજદારોના પ્રશ્નો સાંભળ્યા

પંચમહાલ રેન્જના આઈજી વિધિ ચૌધરી દ્વારા ગરબાડા ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ કામગીરીની સમીક્ષા કરવાની સાથે સરકાર દ્વારા પસંદ કરાયેલા અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.

રેન્જ આઈજીએ છેલ્લા એક વર્ષથી પેન્ડિંગ અથવા તપાસ હેઠળની અરજીઓની સ્થિતિ જાણી હતી. અરજીઓની તપાસ યોગ્ય રીતે થાય છે કે નહીં તે ચકાસવા માટે તેમણે અરજદારો સાથે વ્યક્તિગત ચર્ચા કરી હતી અને તેમના પ્રશ્નોના નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આઈજી વિધિ ચૌધરીએ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને જોડતી મીનાક્યાર ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી હતી. ચૂંટણી દરમિયાન સરહદ પરથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે તેમણે ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન દાહોદ જીલ્લા એસપી રવિરાજસિંહ જાડેજા, ગરબાડા ડીવાયએસપી એમ.કે. સ્વામી, ગરબાડા પીઆઈ એસ.એમ. રાદડિયા સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. આઈજીએ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પણ વાતચીત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.