
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા.
આ તકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે.

ઐતિહાસિક કુંભાભિષેક અને વિશિષ્ટ પૂજા
વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

ભક્તિ સાથે શક્તિનો સંગમ: પોખરણ અને શિવ-શક્તિ
જનસભાને સંબોધતા વડાપ્રધાને આજના દિવસ (11 મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું, આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માંગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.

સાંસ્કૃતિક વિરાસત અને રાજનીતિ
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે.

“હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
‘સોમનાથ અમૃતપર્વ-2026’ના કાર્યક્રમના મુખ્ય આકર્ષણો
- ભવ્ય રોડ-શો: હેલિપેડથી હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલા 2 કિમી લાંબા રોડ-શોમાં લાખોની મેદની ઉમટી પડી હતી.
- સૂર્યકિરણ એર શો: વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા સોમનાથના આકાશમાં અદભૂત હવાઈ દાવપેચ કરવામાં આવ્યા હતા.
- સ્મારક સિક્કો અને ટિકિટ: પીએમએ સોમનાથ અમૃતપર્વ નિમિત્તે રૂ. 75નો સ્મારક સિક્કો અને વિશેષ ડાક ટિકિટનું વિમોચન કર્યું હતું.
- મ્યુઝિયમ મુલાકાત: પૂજા બાદ વડાપ્રધાને સોમનાથ ટ્રસ્ટના મ્યુઝિયમની મુલાકાત લઈ પ્રાચીન અવશેષો નિહાળ્યા હતા.