દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી:રાહુલ ગાંધીએ કહ્યું- PMની સોનું ન ખરીદો, વિદેશ ન જાવ જેવી 7 વાતો ઉપદેશ નથી, નિષ્ફળતાના પુરાવા છે

રાહુલ ગાંધીએ સોમવારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીની તાજેતરની ‘સાત અપીલો’ પર પલટવાર કર્યો અને તેમને ઉપદેશ કહેવાને બદલે નિષ્ફળતાઓ ગણાવી.

X પર એક પોસ્ટમાં રાહુલે લખ્યું- મોદીજીએ ગઈકાલે જનતા પાસેથી ત્યાગ માંગ્યા. આ ઉપદેશ નથી આ નિષ્ફળતાના પુરાવા છે. 12 વર્ષમાં દેશને આ મુકામ પર લાવી દીધો છે કે જનતાને કહેવું પડી રહ્યું છે- શું ખરીદવું અને શું નહીં. ક્યાં જવું, ક્યાં નહીં.

જોકે, રવિવારે સિકંદરાબાદમાં એક જનસભામાં પીએમ મોદીએ આયાત પર નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી વિદેશી મુદ્રાની બચત થઈ શકે અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે.

પીએમએ કહ્યું હતું- ભારતમાં તેલના કૂવા નથી, પેટ્રોલ ઓછું વાપરો

  • પીએમ મોદીએ રવિવારે કહ્યું હતું કે, ‘આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે. ભારત પર આ વૈશ્વિક સંકટની અસર વધુ છે, આપણી પાસે તેલના મોટા કૂવા નથી.’
  • પેટ્રોલ, ગેસ અને ડીઝલ બચાવવા માટે આપણે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે.
  • બિનજરૂરી વાહનનો ઉપયોગ ઓછો કરો. મેટ્રોમાં મુસાફરી કરો અને કારપૂલિંગ કરો. વધુમાં વધુ લોકોને તેમાં બેસાડીને લઈ જાઓ.
  • જો દરેક પરિવાર ખાવાના તેલનો ઉપયોગ થોડો ઓછો કરે તો તેનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
  • દેશે રાસાયણિક ખાતરોના વપરાશને અડધો કરવાનો લક્ષ્ય રાખવો જોઈએ અને ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ.
  • લગ્નો, રજાઓ અને અન્ય કારણોસર વિદેશ પ્રવાસ થોડા સમય માટે ટાળવો દેશના હિતમાં રહેશે.
  • સોનાની આયાતમાં મોટા પ્રમાણમાં વિદેશી મુદ્રા ખર્ચાય છે. દેશના હિતમાં લોકોએ એક વર્ષ સુધી સોનું ખરીદવાનું અને દાન કરવાનું ટાળવું જોઈએ.

ભારતીય ઘરમાં દુનિયાની ટોપ-10 બેંકો કરતાં વધુ સોનું

ભારતીય ઘર અને મંદિરોમાં 50,000 ટન સોનું રાખેલું છે, જેની કિંમત લગભગ 10 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ₹830 લાખ કરોડ છે. ભારતીય વેપારીઓના સંગઠન એસોચેમ (ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા)ના રિપોર્ટ અનુસાર, આ દુનિયાની સૌથી મોટી 10 સેન્ટ્રલ બેંકોના કુલ ભંડાર કરતાં પણ વધુ છે.

1. સોનામાં વાર્ષિક 6 લાખ કરોડનો ખર્ચ: ભારતમાં દર વર્ષે સોનાની આયાત પર લાખો કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. 2024-26માં આ આંકડો 4.89 લાખ કરોડ રૂપિયા હતો, જે 2025-26માં 6.40 લાખ કરોડ રૂપિયા રહ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો તાજેતરનો અહેવાલ જણાવે છે કે 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં રોકાણ માટે સોનાની માંગ દાગીના કરતાં પણ વધુ છે.

2. વિદેશ યાત્રા- 3 લાખ કરોડ ઉડાવી રહ્યા છે: 2023-24માં વિદેશ યાત્રાઓમાં ભારતીયોનો કુલ ખર્ચ 2.72 લાખ કરોડ રૂપિયા હતો, જે 2025-26માં 3.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. એટલે કે ભારતીયોએ વિદેશોમાં ખર્ચ વધારી દીધો છે.

3. ખાતર- 1.50 લાખ કરોડની આયાત: આ વર્ષે ભારતે વિદેશોમાંથી 1.50 લાખ કરોડ રૂપિયાનું ખાતર ખરીદ્યું છે. આ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 76% વધારે છે. આપણે સૌથી વધુ ખાતર કતારથી આયાત કરીએ છીએ, જે ઈરાનના હુમલાઓની ઝપેટમાં છે. આથી ખાતરના ભાવ વધ્યા છે.

4. ક્રૂડ ઓઇલ- આ વર્ષે 10 લાખ કરોડ રૂ.નું તેલ આયાત કરવું પડ્યું: ભારત જરૂરિયાતનું 70% તેલ આયાત કરે છે. આના પર 2024-25માં 11.66 લાખ કરોડ ખર્ચ થયા. ક્રૂડના ભાવ ઘટવાથી 2025-26માં ખર્ચ 10.35 લાખ કરોડ રૂપિયા હતો. છેલ્લા બે મહિનાના યુદ્ધમાં ક્રૂડ 50% મોંઘું થયું છે. આવી સ્થિતિમાં ખર્ચ 17 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

PM મોદી બોલ્યા, ‘પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો’

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે આજના સમયમાં પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવો પડશે. પડોશમાં ચાલી રહેલા યુદ્ધની અસરથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અનેક ગણા વધી ગયા છે.