ભરૂચના ઝઘડિયા નજીક ટ્રકચાલકે અકસ્માત કર્યા,અચાનક રિવર્સ લેતાં ૪ લોકોને અડફેટે લીધા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલા વાઘપુરા ગામ પાસેના ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં એક કરુણ અકસ્માત સર્જાયો હતો. વાસ્તવમાં પ્લાન્ટ વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રકચાલકે અચાનક ટ્રક રિવર્સ લેતા ચાર લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ આ પ્લાન્ટમાં મધ્યપ્રદેશના રહેવાસી કામદારો સિલિકા બેગ ભરવાની અને સિલાઈ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રકચાલકે પાછળ યોગ્ય ધ્યાન રાખ્યા વગર વાહન રિવર્સ કરતા અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકીનું નામ દિવ્યા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો અને અન્ય કામદારોમાં ઘટનાને લઈને ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા પણ ઉદ્યોગ વિસ્તારોમાં સલામતીના નિયમોનું કડક પાલન કરવાની માંગ ઉઠી રહી છે. ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.